પ્રશાંત ગજ્જર, Nadiad News: ગુજરાતના વ્યસ્ત રેલવે સ્ટેશનોમાંના એક એવા નડિયાદ સ્ટેશન પર રેલવે પોલીસ સબ ઈન્સ્પેક્ટરની સમયસૂચક્તાના કારણે એક મહિલા મુસાફરનો જીવ બચ્યો હોવાની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. જેમાં એક મહિલા ચાલુ ટ્રેનમાં ચઢવાના પ્રયાસમાં પોતાનું સંતુલન ગુમાવી બેઠી હતી, જેને રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા સબ ઈન્સ્પેક્ટર બી.પી.મકવાણાએ મોતના મુખમાંથી બહાર ખેંચી લીધી હતી. આ ઘટનાએ વધુ એકવાર સાબિત કરી દીધુ છે કે, ખાખી વર્દીમાં રહેલા જવાનો માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવતા, પરંતુ જરરૂર પડ્યે લોકોના જીવ બચાવવા માટે દેવદૂત પણ સાબિત થાય છે.
ચડતી વખતે અચાનક ટ્રેન ઉપડતા મહિલા મુસાફરનો પગ લપસી ગયો
નડિયાદ રેલવે સ્ટેશન પર એક એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પરથી ધીમી ગતિએ આગળ વધી રહી હતી. આ સમયે એક મહિલા મુસાફર ઉતાવળમાં ચાલું ટ્રેનમાં ચડવા જતી હતી. જો કે ટ્રેનની ગતિ અચાનક વધી જતાં તેનો પગ લપસી ગયો હતો. આ સાથે જ મહિલા મુસાફરે સંતુલન ગુમાવ્યું હતુ અને તેઓ પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગયા હતા.
મહિલા મુસાફરને ટ્રેનના દરવાજાનું હેન્ડલ પકડીને લટકતી જોતા પ્લેટફોર્મ પર ઉપસ્થિ અન્ય મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ સમયે નડિયાદ રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ કરી રહેલ GRPના સબ ઈન્સ્પેક્ટર બી.પી.મકવાણા મહિલાની મદદ માટે દોડી આવ્યા હતા. સબ ઈન્સ્પેક્ટરે પોતાના જીવની પરવા કર્યા વિના મહિલા મુસાફરને પ્લેટફોર્મ તરફ ખેંચી લીધી હતી. આ ઘટનામાં મહિલા મુસાફરને સામાન્ય ઈજા ઈજા પહોંચી હતી.
આ ઘટના બાદ સ્ટેશન પર હાજર અન્ય મુસાફરોને રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે PSI બી.પી. મકવાણાની આ માનવતાભરી, ત્વરિત અને પ્રશંસનીય કામગીરીને લઈને સ્ટેશન પર ઉપસ્થિત લોકમેદનીએ તાળીઓના ગડગડાટ સાથે તેમને બિરદાવ્યા હતા. રેલવે તંત્ર તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ પીએસઆઈ મકવાણાની આ બહાદુરીની સરાહના કરવામાં આવી છે.
