Ahmedabad: લાભ પાંચમના પવિત્ર અને શુભ દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માનવતાની એક અનોખી મિસાલ જોવા મળી છે. મૂળ બિહારના 52 વર્ષીય પુરુષ બ્રેઈનડેડ જાહેર થતાં તેમનાં પત્નીએ ભારે હૈયે પણ અડગ હિંમત સાથે અંગદાનની સંમતિ આપી હતી.
પિતાની વિદાયની વેળાએ ત્રણ નાનાં સંતાનોની ઉપસ્થિતિએ વાતાવરણને ભાવુક બનાવી દીધું હતું. આ ઉમદા નિર્ણયથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવનની આશા મળી છે, અને આ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનનો આંકડો 261 પર પહોંચ્યો છે.
મૂળ બિહારના અને અમદાવાદમાં વસવાટ કરતા 52 વર્ષીય પુરુષને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને વધુ સારવાર અર્થે 8 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમને બચાવવા માટે શક્ય તમામ સારવાર અને પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, ગંભીર ઈજાઓને કારણે 14 નવેમ્બર, 2026ના રોજ તબીબોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
પતિને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા બાદ સિવિલ હોસ્પિટલની કાઉન્સેલિંગ ટીમ અને તબીબોએ તેમનાં પત્ની સાથે સંવેદનાપૂર્વક વાતચીત કરી હતી. તેમને બ્રેઈનડેથની સ્થિતિ તેમજ અંગદાનના માધ્યમથી અન્ય વ્યક્તિઓને જીવનદાન આપી શકાય છે તે અંગે સમજાવવામાં આવ્યું હતું. પતિને ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ પત્નીએ અદભુત હિંમત અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડતાં અંગદાન માટે લેખિત સંમતિ આપી હતી.
આ અંગદાનની સમગ્ર પ્રક્રિયા દરમિયાન સૌથી હૃદયસ્પર્શી ક્ષણ ત્યારે સર્જાઈ, જ્યારે પિતાની પ્રાર્થના સભામાં તેમનાં ત્રણ નાનાં સંતાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જે પિતાની આંગળી પકડીને જીવનની સફર ચાલવાની હતી, એ જ પિતાને અંતિમ વિદાય આપવાની વેળાએ આ નાનાં ભૂલકાંઓની ઉપસ્થિતિએ વાતાવરણને અત્યંત ભાવુક બનાવી દીધું હતું.
પિતાની ખોટ ક્યારેય પૂરી ન થઈ શકે, પરંતુ તેમનાં પિતાના અંગો થકી અન્ય ચાર પરિવારોને મળનારી જીવનની નવી તક એ પરિવારના આ દુઃખ વચ્ચે માનવતાનો એક અમૂલ્ય સંદેશ બની રહી છે.
એક તરફ ત્રણ સંતાનો પિતાની છત્રછાયા ગુમાવ્યાના દુઃખમાંથી પસાર થઈ રહ્યાં હતાં, તો બીજી તરફ માતાએ પોતાના પતિના અંગદાનનો નિર્ણય લઈને ચાર અજાણ્યા પરિવારોના જીવનમાં આશાનો દીપ પ્રગટાવ્યો હતો. આ નિર્ણય ખરેખર માનવતા, હિંમત અને નિઃસ્વાર્થ સેવાનું પ્રેરક ઉદાહરણ છે.
આ અંગદાન થકી એક લીવર, બે કિડની અને એક હૃદય મળી કુલ ચાર મહત્વપૂર્ણ અંગોનું દાન પ્રાપ્ત થયું હતું. આ ઉપરાંત બે આંખોનું પણ દાન મળ્યું હતું. દાનમાં મળેલું લીવર અને બંને કિડની સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલ (IKDRC) ખાતે જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યાં હતાં, જ્યારે હૃદયને યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યું હતું. આ ઉપરાંત દાનમાં મળેલી બંને આંખોથી બે દૃષ્ટિહીન વ્યક્તિઓના જીવનમાં પ્રકાશ પાથરવાની આશા પણ જીવંત બની છે.
સિવિલ હોસ્પિટલની સેવાયાત્રાનો પ્રેરણાદાયી પડાવ: કુલ 1,132 અંગોનું દાન
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 1,132 અંગો અને પેશીઓનું દાન પ્રાપ્ત કરવામાં આવ્યું છે. તેમાં 868 મહત્વપૂર્ણ અંગોનો સમાવેશ થાય છે, જેમાં 482 કિડની, 235 લીવર, 84 હૃદય, 34 ફેફસાં, 25 સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ), 6 હાથ અને 2 નાનાં આંતરડાં સામેલ છે. જ્યારે કુલ 264 પેશીઓના દાનમાં 212 આંખો (કોર્નિયા) અને 52 સ્કિન (ચામડી) નો સમાવેશ થાય છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, "અંગદાનએ સૌથી પવિત્ર દાન છે. સંજોગોવશાત્ એક વ્યક્તિનું જીવન અટકી ગયું હોય છે, ત્યારે અંગદાન થકી તે વ્યક્તિ અને તેનો પરિવાર અનેક વ્યક્તિઓના જીવનની સફર આગળ વધારવાના મહામૂલા માનવતા કાર્યમાં સહભાગી બને છે.
આ 261મું અંગદાન એ વાતનું જીવંત ઉદાહરણ છે કે પરિવારના એક સંવેદનશીલ અને હિંમતભર્યા નિર્ણયથી અનેક પરિવારોમાં ફરી ખુશીઓ આવી શકે છે. અંગદાન એ માત્ર અંગોનું દાન નથી, પરંતુ મૃત્યુ પછી પણ માનવતાને જીવંત રાખવાનો મહાન સંકલ્પ છે."
