Ahmedabad: કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ અને સંસ્કૃતિનો પાયો તેની નારીશક્તિ પર રહેલો છે. જ્યારે વાત દીકરીઓના સ્વાસ્થ્યની હોય, ત્યારે લેવાયેલું એક સચોટ પગલું આવનારી પેઢીઓનું ભવિષ્ય સુરક્ષિત કરી દે છે. ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે આવો જ એક અભૂતપૂર્વ ઇતિહાસ રચ્યો છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, ગર્ભાશયના મુખના કેન્સર-સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગ સામે દીકરીઓને આજીવન રક્ષણ આપવાના અભિયાનને ગુજરાતે એક 'મહાયજ્ઞ'ની જેમ ઉપાડ્યું છે. અત્યાર સુધીમાં 7.75 લાખથી વધુ કિશોરીઓને HPV રસીનું (HPV Vaccinations) સુરક્ષાકવચ પૂરું પાડીને સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
HPV વેક્સિનેશન ડ્રાઈવ 31 ડિસેમ્બર સુધી લંબાવાઈ
આ HPV રસીકરણ અભિયાન સમગ્ર દેશમાં તા. 31 ડિસેમ્બર 2026 સુધી લંબાવવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ HPV રસીના ડોઝ આપીને ભારતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં ફરી એકવાર ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ગુજરાતની આ અગ્રેસર કામગીરી અને પ્રથમ સ્થાન બદલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સત્તાવાર ‘X’ હેન્ડલ (@JPNadda, @MoHFW_INDIA) પરથી ગુજરાતને ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
વધુમાં મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ઉમેર્યું કે, PM મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ હેઠળ ગુજરાતે સર્વાઇકલ કેન્સર જેવા અતિ ગંભીર રોગ સામે HPV રસીકરણ અભિયાન થકી દીકરીઓને આજીવન રક્ષણ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનમાં ગુજરાતે મે મહિનામાં જ 100 ટકા લક્ષ્યાંક હાંસલ કરીને સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
PM મોદીના જન્મદિને એક જ દિવસમાં 71 હજાર દીકરીઓને વૅક્સિન આપી વિક્રમ સ્થાપ્યો
રાજ્ય સરકારની આ ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લઈને કેન્દ્ર સરકારે 7 સપ્ટેમ્બરે ગુજરાત માટે વધુ 2.72 લાખ HPV રસીના ડોઝ ફાળવ્યા હતા. આ અભિયાનને વધુ વેગ આપવા માટે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલા 'સેવા પર્વ' હેઠળ તા. 17 થી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન રસીકરણ ઝુંબેશનો પુનઃપ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ ઝુંબેશ અંતર્ગત 17 સપ્ટેમ્બરે વડાપ્રધાનના જન્મદિને માત્ર એક જ દિવસમાં 71,000થી વધુ દીકરીઓનું સફળ રસીકરણ કરીને ઐતિહાસિક સિદ્ધિ સાથે નવો વિક્રમ નોંધાયો હતો. માત્ર 10 દિવસના આ 'સેવા પર્વ' દરમિયાન કુલ 1.47 લાખથી વધુ કિશોરીઓને સુરક્ષાકવચ પૂરું પાડીને સરકારે નિર્ધારિત લક્ષ્યાંક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. આ સાથે અત્યાર સુધીમાં 14 વર્ષની વયમર્યાદા ધરાવતી અંદાજે 7.75 લાખ કિશોરીઓને HPV રસીકરણ હેઠળ આવરી લેવામાં આવી છે.
આ ઐતિહાસિક સિદ્ધિ અને રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન મેળવવા બદલ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આરોગ્ય વિભાગની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ફિલ્ડ સ્તરથી લઈને જિલ્લા અને રાજ્ય કક્ષા સુધીના તબીબો, નર્સિંગ સ્ટાફ, આશા વર્કર્સ અને આરોગ્ય કર્મચારીઓની અથાગ મહેનત તથા સમર્પણના કારણે જ આ રસીકરણ અભિયાન સફળતાના નવા શિખરો સર કરી શક્યું છે.
