દ્વારકાધીશ મંદિરમાં VIP કલ્ચર અને મનફાવે તેવી ફોટોગ્રાફી પર લગામ, ધ્વજાજી અને મનોરથના શૂટિંગ માટે ચૂકવવો પડશે ચાર્જ

દ્વારકાધીશ મંદિરમાં VIP કલ્ચર અને ફોટોગ્રાફી-વીડિયોગ્રાફીના વિવાદો બાદ નવા નિયમો લાગુ કરાયા છે. હવે મંદિર પરિસરમાં ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી માટે પૂર્વ મંજૂરી અને રૂ. 2500ની ફી સાથે અધિકૃત ફોટોગ્રાફરનો ઉપયોગ ફરજિયાત રહેશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 21 Nov 2026 03:54 PM (IST)Updated: Sat, 21 Nov 2026 03:54 PM (IST)
crackdown-on-vip-culture-at-dwarka-temple-prior-approval-and-rs-2500-fee-mandatory-for-photography

Devbhumi Dwarka News: જગત મંદિર દ્વારકાધીશમાં VIP કલ્ચર અને મંદિર પરિસરમાં ફોટોગ્રાફી-વીડિયોગ્રાફીને લઈને ઊભા થયેલા વિવાદો વચ્ચે મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દ્વારકાધીશ મંદિર પરિસરમાં કોઈપણ વ્યક્તિ પોતાની રીતે ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી નહીં કરી શકે. આ માટે મંદિર પ્રશાસનની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે.

દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિએ મંદિરની ધાર્મિક પરંપરા, પવિત્રતા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફી માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો અનુસાર, મંદિર પરિસરમાં કોઈપણ પ્રકારનું ફોટોશૂટ કે વીડિયો રેકોર્ડિંગ કરવા માટે અગાઉથી મંજૂરી મેળવવી પડશે.

મંદિરના અધિકૃત ફોટોગ્રાફર મારફતે ફોટોગ્રાફી થઈ શકશે, રૂ. 2500ની ફી ફરજિયાત

ખાસ કરીને ભોગ-મનોરથ અને ધ્વજાજીના ઉત્સવની યાદગીરી કંડારવા ઇચ્છતા ભક્તો માટે રૂ. 2,500ની ફી નક્કી કરવામાં આવી છે. આ ફોટોગ્રાફી માત્ર મંદિર સંસ્થાના અધિકૃત ફોટોગ્રાફર મારફતે જ કરાવી શકાશે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ દ્વારકાધીશ મંદિર સાથે જોડાયેલા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં કીર્તિદાન ગઢવી અને મોરારીબાપુ સાથે સંબંધિત ધ્વજારોહણના દૃશ્યોને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જાગી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ મંદિરની વ્યવસ્થા અને VIP લોકોને મળતી વિશેષ સુવિધાઓ અંગે અનેક સવાલો ઊઠ્યા હતા.

દ્વારકા પોલીસ અને મંદિર પ્રશાસનની કામગીરી પણ ચર્ચાના કેન્દ્રમાં આવી હતી.આ સમગ્ર ઘટનાક્રમ બાદ મંદિર પરિસરમાં કોણ ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરી શકે અને કઈ રીતે કરી શકે તે અંગે નિયમો બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી. જેના પગલે હવે મંદિર વ્યવસ્થાપક સમિતિએ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે પૂર્વ મંજૂરી તથા અધિકૃત ફોટોગ્રાફરની વ્યવસ્થા અમલી બનાવી છે.