Jamnagar: રવાણી ખીજડીયા ગામમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ, 932 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

જામનગર પોલીસે રવાણી ખીજડિયા ગામમાં એક નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન 932 લીટર શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત 5.77 લાખ રૂપિયા છે, અને ફૂડ વિભાગે (ખાદ્ય વિભાગે) સેમ્પલ (નમૂના) લીધા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 21 Nov 2026 03:31 PM (IST)Updated: Sat, 21 Nov 2026 03:31 PM (IST)
jamnagar-news-adulterated-ghee-racket-exposed-932-liters-seized

Jamnagar: જામનગર જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળીયા તત્વો સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે પંચકોશી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા રવાણી ખીજડીયા ગામની સીમમાં ચાલતા કથિત નકલી ઘી બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

પોલીસની ટીમ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન સ્થળ પરથી અંદાજે 932 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે, જેની અંદાજિત કિંમત રૂ.5.77 લાખ થાય છે. ખાસ વાત એ છે કે, ઘીના ડબ્બાઓ પર 'KT Bandhan Cows Pure Ghee'ના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને ઘીના નમૂના લઈ આગળની તપાસ હાથ ધરી હતી.

કેટી બંધન કાઉ પ્યોર ઘીના સ્ટીકર લગાવેલા ઘીના ડબ્બાઓ જપ્ત કર્યાં

હકીકતમાં પંચકોશી એ ડિવિઝન પોલીસની ટીમને બાતમી મળી હતી કે, જામનગર જિલ્લાના રવાણી ખીજડીયા ગામની સીમમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી ધમધમી રહી છે. જેના આધારે પોલીસની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. જ્યાં તલાસી દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો.

આ દરોડાની કાર્યવાહી દરમિયાન 'KT Bandhan Cows Pure Ghee'ના સ્ટીકર લગાવેલા 200 મિલીલીટર ઘીના 2160 ડબ્બાઓ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા ઘીના જથ્થાની અંદાજિત કિંમત રૂ. 5,77,840 આંકવામાં આવી છે. આ ઉપરાંત સ્થળ પર રહેલા અંદાજે 500 લીટર ઘીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને જાણ કરવામાં આવતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને શંકાસ્પદ ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. સેમ્પલના રિપોર્ટ બાદ ઘીની ગુણવત્તા અને તેમાં ભેળસેળ થઈ છે કે કેમ તે અંગે વધુ સ્પષ્ટતા થશે.

પોલીસની પ્રાથમિક વિગતો મુજબ, દરોડા દરમિયાન મનસુખભાઈ દેશાભાઈ ખીમસુરિયા સ્થળ પર હાજર મળી આવ્યા હતા, જ્યારે ભરતભાઈ દેશાભાઈ ખીમસુરિયાનું નામ પણ તપાસમાં સામે આવ્યું છે.

PI આઈ.એ. ઘાસુરાના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ એસ. જાડેજા, હરદેવસિંહ એમ. ઝાલા, ASI નિર્મળસિંહ બી. જાડેજા અને ચેતનભાઈ આર. ઘાઘરેટીયાની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી.