Jamnagar News: જામનગર જિલ્લામાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા શખ્સો સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જામનગરના રવાણી ખીજડીયા ગામની સીમમાં ચાલતી કથિત નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર પંચકોશી 'એ' ડિવિઝન પોલીસે દરોડો પાડી અંદાજે ₹5.77 લાખ કિંમતનો 932 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. ઘટનાની જાણ થતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ઘીના નમૂના લઈ આગળની તપાસ હાથ ધરી હતી.
ખીજડીયા ગામે નકલી ઘી બનાવવાની ફેક્ટરી
સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર, જામનગર જિલ્લાના રવાણી ખીજડીયા ગામની સીમમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી ધમધમતી હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પંચકોશી 'એ' ડિવિઝન પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો.
932 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો
દરોડા દરમિયાન 200 મિલીલીટરના કુલ 2160 ડબ્બા મળી આવ્યા હતા. તમામ ડબ્બાઓ પર 'KT Bandhan Cows Pure Ghee' લખેલા સ્ટીકર લગાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા ઘીના જથ્થાની કિંમત 5,77,840 રૂપિયા આંકવામાં આવી છે. વધુમાં, સ્થળ પર રહેલા 500 લીટર ઘીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

શંકાસ્પદ ઘીના નમૂના લઈ તપાસ માટે મોકલ્યા
બીજી તરફ, આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને જાણ કરવામાં આવતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને શંકાસ્પદ ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. સેમ્પલના રિપોર્ટ બાદ ઘીની ગુણવત્તા અને તેમાં ભેળસેળ થઈ છે કે કેમ તે અંગે વધુ સ્પષ્ટતા થશે.
1 આરોપીની અટકાયત, અન્ય એકની તપાસ શરૂ
પોલીસની પ્રાથમિક વિગતો મુજબ દરોડા દરમિયાન મનસુખભાઈ દેશાભાઈ ખીમસુરિયા સ્થળ પર હાજર મળી આવ્યા હતા, જ્યારે ભરતભાઈ દેશાભાઈખીમસુરિયાનું નામ પણ તપાસમાં સામે આવ્યું છે. PI આઈ.એ. ઘાસુરાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
