ગુજરાતમાં નવેમ્બર મહિનાની શરૂઆતમાં સામાન્ય કરતાં ઊંચા રહેલા તાપમાનના કારણે જોઈએ તેટલી ઠંડી નહતી પડી. ગરમીથી કંટાળી ઉઠેલા લોકો શિયાળો જોર પકડે, તેની રાહ જોઈ રહ્યા હતા. હવે તેમની આતુરતાનો ચોક્કસ અંત આવશે, કારણ કે હવે શિયાળાની ઋતુ ધીમે-ધીમે જામી રહી છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં કોલ્ડવેવના કાતિલ રાઉન્ડ અંગે આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, અત્યારે સમગ્ર ગુજરાતમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. એટલે કે પવનની ઝડપ અને દિશા શિયાળા માટે અનુકુળ સેટ થઈ ચૂકી છે. આથી નવેમ્બર મહિનાના આવનારા દિવસોમાં સવાર-સાંજ ગુલાબી ઠંડીનો અનુભવ થશે. જ્યારે ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં ઠંડી અને કોલ્ડવેવના રાઉન્ડ શરૂ થઈ જવાની શક્યતા છે.
હાલ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 18 થી 19 ડિગ્રીની રેન્જમાં નોંધાઈ રહ્યું છે. જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં જે ઊંચુ તાપમાન હતુ, તે હવે સામાન્ય સ્તર નજીક આવી પહોંચ્યું છે. જેના કારણે 21 થી 30 નવેમ્બર એટલે કે આવનારા 10 દિવસ દરમિયાન ગુલાબી ઠંડીનો માહોલ સતત જળવાઈ રહશે. ખાસ કરીને સવાર અને સાંજના સમયે લોકોને શિયાળા જેવા આહલાદક વાતાવરણનો અહેસાસ થશે.
વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ માવઠું નહીં પડે
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, 22 નવેમ્બરથી ગુજરાતના કેટલાક સિમિત વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. આમ છતાં કમોસમી વરસાદ અને માવઠાની કોઈ શક્યતા નથી.
હકીકતમાં શિયાળા દરમિયાન જ્યારે વાદળો આવે, ત્યારે ઠંડીનું પ્રમાણ સામાન્ય રીતે ઘટે છે. તે મુજબ 22 નવેમ્બરથી ઠંડીમાં લગભગ 2 ડિગ્રીનો ઘટાડો થશે. એટલે કે હાલ 30 ડિગ્રીની આસપાસ રહેતુ મહત્તમ તાપમાન 22 નવેમ્બરથી વધીને 31 થી 32 ડિગ્રીની રેન્જમાં પહોંચશે, જે 27 નવેમ્બર સુધી રહેવાનું છે. જે બાદ 28 નવેમ્બરથી તાપમાનમાં ફરીથી ઘટાડો થવાનું શરૂ થઈ જશે.
1 ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડવા લાગશે
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે શિયાળો થોડો મોડો શરૂ થયો છે. તેમજ અલ નીનોની અસરના કારણે દર વર્ષની સરખામણીએ આ વર્ષે નવેમ્બર મહિનો ઠંડીની દ્રષ્ટિએ નબળો રહ્યો છે.
અલ નીનોની અસરથી શિયાળામાં તાપમાન સામાન્ય કરતાં 1 થી 2 ડિગ્રી ઊંચુ રહેવાની અગાઉ કરવામાં આવેલી આગાહી અનુસાર, અત્યાર સુધી તાપમાન ઊંચુ નોંધાયું છે. જો કે હવે ડિસેમ્બર મહિનાથી હવામાનમાં મોટો પલટો આવશે. એટલે કે 1 ડિસેમ્બરથી ગુજરાતમાં ગાત્રો થીજવતી કડકડતી ઠંડીનો પ્રારંભ થશે અને કોલ્ડ વેવના રાઉન્ડ પણ જોવા મળશે. આ સાથે જ ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં શિયાળો સંપૂર્ણપણે જામશે અને તીવ્ર ઠંડીનો અહેસાસ થશે.
