Kheda: ગુજરાત રાજ્ય સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2025નો પ્રતિષ્ઠિત 'વેદ-શાસ્ત્ર પંડિત સન્માન' વડતાલ મંદિરના ચેરમેન, સ્વામી સંતવલ્લભદાસને અર્પણ કરવાની ઘોષણા કરવામાં આવી છે.આ સન્માન ગુજરાત રાજ્ય સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહા તથા મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવની ઉપસ્થિતિમાં યોજાયેલા ગૌરવપૂર્ણ સમારોહમાં એનાયત કરવામા આવશે.
સ્વામી સંતવલ્લભદાસનું સમગ્ર જીવન ભારતીય સંસ્કૃતિ, વૈદિક પરંપરા અને સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે સમર્પિત રહ્યું છે. તેમણે સનાતન સંસ્કૃત સાહિત્યના સંરક્ષણ, સંશોધન, સંપાદન અને પ્રસાર માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમના આ અમૂલ્ય કાર્યને માન્યતા આપતા ગુજરાત રાજ્ય સંસ્કૃત સાહિત્ય અકાદમીએ આ સર્વોચ્ચ સન્માનથી તેમને નવાજ્યા છે.
સ્વામીજીનું પ્રાથમિક શિક્ષણ સુરતમાં પૂર્ણ થયું હતું. જે બાદ તેમણે માધ્યમિકથી ઉચ્ચ શિક્ષણ કાશી (બનારસ)માં પ્રાપ્ત કર્યું, જ્યાં સંસ્કૃત શાસ્ત્રોના ઊંડા અભ્યાસ દ્વારા તેમણે વિશિષ્ટ પાંડિત્ય પ્રાપ્ત કર્યું.
તેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરામાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી છે. તેમના અસાધારણ શૈક્ષણિક અને સંસ્કૃત સાહિત્યિક યોગદાનને માન્યતા આપતાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા તેમને ડી.લિટ. ની પદવીથી પણ સન્માનિત કરવામાં આવ્યા.
વડતાલ મંદિર તથા તેના સંલગ્ન અનેક મંદિરોની વિશાળ વહીવટી અને ધાર્મિક જવાબદારીઓનું સફળતાપૂર્વક નિર્વહન કરવા છતાં સ્વામી સંતવલ્લભદાસજીએ સંસ્કૃત ભાષા અને સાહિત્ય પ્રત્યેની પોતાની સાધના ક્યારેય ઓછી થવા દીધી નથી.
આજે પણ તેઓ દરરોજ કલાકથી વધુ સમય સંસ્કૃતના અધ્યયન, સંશોધન અને લેખન માટે સમર્પિત કરે છે. પુસ્તક લેખન, સંપાદન અને સંસકૃત ગ્રંથોના અભ્યાસ-પ્રકાશનને તેમણે પોતાના જીવનનો અભિન્ન હિસ્સો બનાવ્યો છે.
સ્વામી સંતવલ્લભદાસનું વ્યક્તિત્વ આધ્યાત્મિકતા, વિદ્યાસાધના અને સાહિત્યસેવાનું અનોખું સંયોજન છે. તેમના દ્વારા કરવામાં આવેલું કાર્ય માત્ર સંસ્કૃત ભાષાના જતન પૂરતું મર્યાદિત નથી, પરંતુ આગામી પેઢીઓને ભારતની વૈદિક જ્ઞાનપરંપરાથી જોડવાનું એક પ્રેરણાદાયી અભિયાન છે. તેઓ ગુજરાત રાજ્ય માટે ગૌરવ અને ઘરેણાં સમાન વિદ્વાન સંત તરીકે ઓળખાય છે.
ગુજરાત રાજ્ય સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા એનાયત થયેલું આ 'વેદ-શાસ્ત્ર પંડિત સન્માન – 2025' માત્ર સ્વામી સંતવલ્લભદાસજીના વ્યક્તિગત યોગદાનનું સન્માન નથી, પરંતુ સંસ્કૃત ભાષા, વૈદિક સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે સંપ્રદાય દ્વારા દાયકાઓથી ચાલતા અવિરત ગૌરવપૂર્ણ પરંપરાનું સન્માન છે, એમ કહીને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા.
