સુરતનો ડુમસ સી ફેસ હવે નિઃશુલ્ક નહીં રહે! એન્ટ્રી અને પાર્કિંગ ફી નક્કી, જાણો ટિકિટના દર અને ક્યારથી લાગુ થશે?

સુરત મનપાની સ્થાયી સમિતિએ ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ઝોન-1 માટે પ્રવેશ ફી અને પાર્કિંગના નવા દરને મંજૂરી આપી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 21 Nov 2026 10:47 PM (IST)Updated: Sat, 21 Nov 2026 10:47 PM (IST)
surat-dumas-sea-face-entry-fee-and-parking-charges-2026-proposal-approved

Surat News: સુરતના લોકપ્રિય ફરવાના સ્થળ ડુમસ સી ફેસ પર સહેલાણીઓએ પ્રવેશ અને પાર્કિંગ માટે ચાર્જ ચૂકવવો પડશે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ 21 નવેમ્બર, 2026 ના રોજ મળેલી બેઠકમાં ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ઝોન-1 માટે પ્રવેશ ફી અને પાર્કિંગના નવા દરને મંજૂરી આપી છે. જોકે, આ દરખાસ્તનો અમલ કરતા પહેલા તેને સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભાની અંતિમ મંજૂરી લેવાની રહેશે.

12 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ₹20 એન્ટ્રી ફી

અત્યાર સુધી ડુમસ સી ફેસ પર સહેલાણીઓ માટે પ્રવેશ અને પાર્કિંગની સુવિધા સંપૂર્ણપણે નિઃશુલ્ક હતી. પરંતુ હવે સુરત મહાનગરપાલિકા દ્વારા અહીં પ્રવેશ ફી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વોટર રિસોર્સિસ એન્ડ રિક્રિએશન સેલ દ્વારા તૈયાર કરવામાં આવેલી દરખાસ્તને સ્થાયી સમિતિએ લીલી ઝંડી આપી છે. મંજૂર દરખાસ્ત પ્રમાણે ઝોન-1માં પ્રવેશ માટે ઉંમરના આધારે અલગ-અલગ ફી નક્કી કરવામાં આવી છે.

  • 12 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો: પ્રતિ દિવસ ₹20
  • 3 વર્ષથી 12 વર્ષના બાળકો: પ્રતિ દિવસ ₹10
  • 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો: પ્રતિ દિવસ ₹10
  • 3 વર્ષ સુધીના બાળકો: સંપૂર્ણપણે નિઃશુલ્ક

વાહનો માટે પાર્કિંગના દર પણ નક્કી

પ્રવેશ ફીની સાથે સુરત મહાનગરપાલિકાએ અલગ-અલગ પ્રકારના વાહનો માટે પાર્કિંગ ચાર્જ પણ નક્કી કર્યા છે. નવા દરખાસ્ત મુજબ પ્રતિ દિવસના પાર્કિંગ ચાર્જ નીચે પ્રમાણે રહેશે. ખાસ નોંધનીય છે કે, ઈલેક્ટ્રિક વાહનોને પાર્કિંગ ફીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.

વાહનનો પ્રકાર

પ્રતિ દિવસ પાર્કિંગ ચાર્જ

ફોર વ્હીલર

₹30

થ્રી વ્હીલર

₹25

ટુ વ્હીલર

₹10

બસ-હેવી કોમર્શિયલ વ્હીકલ

₹90

ઈલેક્ટ્રિક વાહનો

નિઃશુલ્ક

શા કારણે અચાનક ફી વસૂલવાનો નિર્ણય લેવાયો?

સુરત મહાનગરપાલિકા દ્વારા 8 માર્ચ, 2026 ના રોજ ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારથી આ સ્થળે દરરોજ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. ઘણી વખત તો મુલાકાતીઓની સંખ્યા ક્ષમતા કરતા પણ વધી જાય છે. આ મુદ્દાને ધ્યાને રાખીને પ્રોજેક્ટની યોગ્ય જાળવણી અને મુલાકાતીઓની સુરક્ષા જાળવવી સુરત મહાનગરપાલિકા માટે મહત્વપૂર્ણ બની છે.

આ ઉપરાંત, વીજળીનું બિલ, લેન્ડસ્કેપિંગ માટે પાણી અને અન્ય નિભાવ ખર્ચને પહોંચી વળવા માટે પણ આવકની વ્યવસ્થા ઊભી કરવી જરૂરી બની છે. આથી પ્રોજેક્ટને આર્થિક રીતે સ્વનિર્ભર (સેલ્ફ સસ્ટેનેબલ) બનાવવા માટે પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

SMC સામાન્ય સભાની મંજૂરી બાદ થશે અમલ

સુરત કિલ્લો, સરથાણા નેચર પાર્ક અને ગોપી તળાવ જેવા સ્થળોએ પ્રવેશ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ટિકિટની વ્યવસ્થા અમલમાં છે. આ જ વ્યવસ્થાની જેમ હવે ડુમસ સી ફેસ પર પણ પ્રવેશ ફી લાગુ કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ 21 નવેમ્બર, 2026 ના રોજ મળેલી બેઠકમાં પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જના દરને મંજૂરી આપી દીધી છે. જોકે, સ્થાયી સમિતિની મંજૂરી બાદ હવે આ દરખાસ્તને અંતિમ નિર્ણય માટે સામાન્ય સભા સમક્ષ રજૂ કરવામાં આવશે. સામાન્ય સભાની મંજૂરી મળ્યા બાદ જ ડુમસ સી ફેસ પર નવા દરનો અમલ થઈ શકશે. એટલે હાલ આ દરખાસ્તને મંજૂરી મળી છે, પરંતુ અંતિમ નિર્ણય બાકી છે.