Surat News: સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકમાં કલેકટરએ જનપ્રતિનિધિઓની રજૂઆતો, પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ આવે તે દિશામાં કાર્ય કરવા અને સરકારે જે જવાબદારી સોંપી છે તેને નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવવા સૌ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં ધારાસભ્ય સંદિપ દેસાઈએ પાલી-સચિન-કનસાડના ફા.પ્લોટ નં.202 (SEWS) રિઝર્વેશન પ્લોટમાં રેલવે વિભાગ દ્વારા કરેલ ગેરકાયદે કબજો અને તેના આધાર અંગે પ્રશ્ન સંદર્ભે કલેકટરએ આ પ્લોટની માપણી થઈ ચૂકી હોવાથી સુરત મહાનગરપાલિકા તંત્રને તેમનીઅધિકારક્ષેત્રની જમીનનો કબજો મેળવી લેવા સૂચિત કરાયું છે એમ જણાવ્યું હતું.
સંદીપ દેસાઈએ નવા બમરોલી રોડ થઈ અમીઝરા રેસિડેન્સીથી સાંઈ કે.જી. રેસીડેન્સી, બમરોલી થઈ નવા RCC રસ્તા સુધીના રસ્તામાં આવેલી 66 KV GETCO હાઈટેન્શન ઓવરહેડ લાઈનને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીનું સ્ટેટસ, સરસાણામાં તળાવનું વિસ્તૃતિકરણ બ્યુટીફિકેશન, નવીનીકરણ કરવા રજૂઆત કરી હતી. જે સંદર્ભે કલેકટરએ સંબંધિત અધિકારીઓને કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
ધારાસભ્ય વિનોદ મોરડિયાએ કતારગામના લલિતા ચોકડી પર શ્રમિક અન્નપૂર્ણાના સ્ટોલના કારણે સર્જાતા ટ્રાફિક જામના નિવારણ માટે અન્નપૂર્ણાના સ્ટોલને અન્યત્ર જગ્યાએ ખસેડવા, નાની વેડના અંબાજી મંદિર પાસે સબ સ્ટેશનને હટાવવા રજૂઆત કરી હતી. જેના હકારાત્મક ઉકેલની કલેકટરએ ખાતરી આપી હતી.
સરકારી અનાજની દુકાનો દ્વારા ગ્રાહકોને સડેલું અનાજ આપવામાં આવી રહ્યું હોય તેમજ નિર્ધારિત સમય સુધી દુકાનો ખુલ્લી ન રાખનાર દુકાનદાર સામે પગલા લેવા, સસ્તા અનાજની દુકાનો પર બોર્ડ લગાવવાની રજૂઆત કરતા જિલ્લા પુરવઠા અધિકારીએ નિવારાત્મક પગલાઓ પ્રગતિમાં હોવાનું જણાવ્યું હતું.
ધારાસભ્ય સંગીતાબેન પાટીલે વોર્ડ નં. 27, નવાગામ-ડિંડોલી વિસ્તારમાં ભેસ્તાન બ્રિજને ડિંડોલી રોડ સાથે જોડવા નંદનવન સોસાયટી પાસે રેમ્પ બનાવવાનું કામ મંજૂર થયું છે, જેથી પ્રમુખ સ્વામી બ્રિજ પાસે રોડ પર હાઈ ટેન્શન લાઈનના નડતરરૂપ ટાવર તેમજ નિયોલ લક્ષ્મીનારાયણ લાઈનના 115 અને 116 નંબરના હાઈટેન્શન ટાવરને અન્યત્ર ખસેડવા રજૂઆત કરી હતી.
આ ઉપરાંત, પરવત પાટીયાની રણછોડનગર સોસાયટીમાં પ્લોટ વાઈઝ જંત્રીનો દર બમણો કરી દેવાયો છે. રણછોડનગર સોસાયટીને સુચિત સોસાયટીમાં સમાવિષ્ટ કરવા અગાઉ અરજી સહ રજૂઆત કરાઈ છે, ત્યારે જૂની જંત્રી દર લાગુ કરવા રજૂઆત કરી હતી. આ અંગે કલેકટરે સંબંધિત અધિકારીઓને જરૂરી તાકીદ કરી હતી.
સંકલનની ભાગ-2 ની બેઠકમાં જિલ્લા અમલીકરણ અધિકારીઓ સંયુક્ત રીતે સ્થળ વિઝિટ કરીને અટવાયેલા પ્રશ્નોનું ઝડપી હકારાત્મક કાયમી નિરાકરણ કરી નીતિ વિષયક બાબતોની દરખાસ્ત વહીવટી તંત્ર અને સરકારમાં મોકલી આપવા અનુરોધ કર્યો હતો. સાથે પ્રજા કલ્યાણ યોજનાઓ નિર્ધારિત લક્ષ્યાંક સામે સિદ્ધિ હાંસલ કરી જનતાને સંતોષ થાય તેવા કામો કરવા ખાસ સૂચના આપી હતી.
સી.એમ. ડેશબોર્ડની ડેટા એન્ટ્રી કરીને ઈન્ડિકેટર મુજબ પ્રગતિ કરવા ખાસ ભાર મૂક્યો હતો. મહેસુલી પ્રશ્નો, આંગણવાડીના બાંધકામ કે જમીન ફાળવણીને અલગ તારવી કલેકટર કચેરીને મોકલી આપવા તેમજ પીવાના પાણી અને બાંધકામ માટે સબંધિત વિભાગ સાથે સંકલન સાધી ગ્રાન્ટ પૂરેપૂરી વપરાય તેવી તકેદારી રાખવા, વસ્તી ગણતરી, શિષ્યવૃત્તિની કામગીરીને સઘન કરવા, દરખાસ્ત બનાવી તાંત્રિક અને સૈદ્ધાંતિક મંજૂરી મેળવીને જિલ્લાના વિકાસમાં યોગદાન આપવા જણાવ્યું હતું.
આ બેઠકમાં ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, વિનોદભાઈ મોરડીયા, સંગીતાબેન પાટીલ, જિ. પંચાયત પ્રમુખ સમીર મોદી, જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીના, નિવાસી અધિક કલેકટર હિરેન ચૌહાણ, સંયુક્ત માહિતી નિયામક અરવિંદ મછાર, પ્રાંત અધિકારીઓ, પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ તથા અન્ય તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
