Gujarat Census 2027 Self-Enumeration: દેશના વિકાસના આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ એવા વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો સમગ્ર દેશ અને રાજ્યમાં પ્રારંભ થયો છે. સુરતથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ઓનલાઈન પોર્ટલ પર પોતાની અને પરિવારની વિગતો ભરી હતી.
ઓનલાઈન ‘સ્વ-ગણતરી’ પ્રક્રિયા
ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘જનગણના-2027’ અંતર્ગત હવે વિશેષ ડિજિટલ સુવિધા ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ડિજિટલ અભિયાનમાં રાજ્યના મંત્રીઓએ ઓનલાઇન વિગતો ભરીને પોતાનું સક્રિય યોગદાન આપ્યું. વધુમાં, નાગરિકોને પણ ઘરે બેઠા આ પ્રક્રિયામાં જોડાવા અનુરોધ કર્યો છે.
હર્ષ સંઘવીએ ‘સ્વ-ગણતરી’ પૂર્ણ કરી
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અભિયાનના બીજા દિવસે જ સુરત સ્થિત પોતાના નિવાસસ્થાનથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને રાષ્ટ્રીય કાર્યમાં પોતાનું સક્રિય યોગદાન આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જનગણના 2027 માત્ર વસ્તી ગણતરી નહીં પરંતુ ભવિષ્યના વિકાસ માટેનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે.
આજે "જન ગણના-૨૦૨૭"અંતર્ગત સુરત નિવાસસ્થાન ખાતેથી મારા અને મારા પરિવારજનોની સ્વ-ગણતરી ઓનલાઈન પોર્ટલના માધ્યમથી પૂર્ણ કરી.
— Harsh Sanghavi (@sanghaviharsh) May 18, 2026
ગુજરાતના સર્વે નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે નૈતિક ફરજના ભાગરૂપે આપ સૌ પણ જનગણનામાં જોડાઈને સ્વૈચ્છિક સ્વ-ગણતરી નોંધણી દ્વારા તંત્રને સહકાર કરશો. pic.twitter.com/7caCSHte6i
પ્રફુલ પાનસેરિયાએ કરી ઓનલાઇન નોંધણી
બીજી તરફ, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ કામરેજમાં પોતાના પરિવારની વિગતો ઓનલાઇન નોંધાવીને એક જાગૃત નાગરિક તરીકેનું કર્તવ્ય નિભાવ્યું હતું. તેમણે નોંધણી કર્યાનો આનંદ અને ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ ‘સ્વગણના’ અભિયાનમાં સૌ નાગરિકો સક્રિયપણે જોડાઈને આ રાષ્ટ્રીય અભિયાનને સફળ બનાવે.
નાગરિકો જોગ કરી મહત્વપૂર્ણ અપીલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના નાગરિકોને અનુરોધ કર્યો હતો કે, 15 મેથી 31 મે દરમિયાન યોજાનારી આ ‘સ્વ-ગણના’ પ્રક્રિયામાં દરેક પરિવાર સક્રિયપણે જોડાય અને ઘરે બેઠા પોતાની તમામ જરૂરી વિગતો જાતે જ ભરે. ડિજિટલ માધ્યમથી સરકારને લોકોની વાસ્તવિક જરૂરિયાતો સમજવામાં મદદ મળશે.
આ પણ વાંચો: Census 2027: સાંસદ મુકેશ દલાલે ડિજિટલ પોર્ટલ પર કરી 'સ્વ-ગણતરી', સુરતીઓને જોડાવા કર્યો અનુરોધ
OTP-ગુપ્ત માહિતી શેર ન કરવા ચેતવણી
નાગરિકોને સાયબર સુરક્ષા અંગે સાવચેત કરતા હર્ષ સંઘવીએ ખાસ જણાવ્યું કે, જનગણના દરમિયાન પ્રાપ્ત થતા OTP અથવા અન્ય કોઈપણ ગુપ્ત માહિતી અજાણ્યા વ્યક્તિ સાથે ક્યારેય શેર ન કરવી. આ પ્રસંગે સુરત મહાનગરપાલિકા કમિશનર, એડિશનલ સિટી સેન્સસ ઓફિસર અને સંગઠન પ્રદેશ પ્રમુખ પરેશ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
