Census Began In Surat:ભારતના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ડિજિટલ રીતે સુરતમાં વસ્તી ગણતરી શરૂઆત થઈ

જનગણના ૨૦૨૭ એ દેશના ઉજ્જવળ ભવિષ્ય અને જનકલ્યાણકારી આયોજનનો મજબૂત પાયો છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 17 May 2026 11:35 PM (IST)Updated: Sun, 17 May 2026 11:37 PM (IST)
for-the-first-time-in-the-history-of-india-the-census-began-digitally-in-surat

Surat News: દેશના વિકાસના આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ એવા વસ્તીગણતરી ૨૦૨૬ના પ્રથમ તબક્કાનો આજથી સમગ્ર દેશ અને રાજ્ય સાથે સુરત ખાતે પણ મંગલ પ્રારંભ થયો છે. ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશેષ ડિજિટલ સુવિધા 'સ્વ-ગણતરી' (Self-Enumeration) અભિયાન અંતર્ગત સુરતના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ આજે અભિયાનના પ્રથમ દિવસે જ પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને આ રાષ્ટ્રીય કાર્યમાં પોતાનું સક્રિય યોગદાન આપ્યું હતું.

સાંસદએ આ પ્રસંગે સુરત અને ગુજરાતના તમામ નાગરિકોને પોતાની રાષ્ટ્રીય ફરજ સમજીને આ ડિજિટલ અભિયાનમાં ઉત્સાહભેર જોડાવા માટે જાહેર અપીલ કરી હતી.

સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા શુ કહ્યું

જનગણના ૨૦૨૭ એ દેશના ઉજ્જવળ ભવિષ્ય અને જનકલ્યાણકારી આયોજનનો મજબૂત પાયો છે એમ જણાવી સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા હાથ ધરાતી એક અત્યંત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયા છે. આ આંકડાઓનો ઉપયોગ આગામી સમયમાં નવનિર્માણ, યોગ્ય સંસાધનોનું વિતરણ, શિક્ષણ, આરોગ્ય, આવાસ, રોજગાર અને પરિવહન જેવી અનેક જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના અને સાચા લાભાર્થીઓ સુધી અસરકારક રીતે પહોંચાડવા માટે કરવામાં આવશે. સરકાર જ્યારે વિકાસનો આ અવસર લઈને આપણા દ્વાર આવી છે, ત્યારે આ રાષ્ટ્રીય મહાયજ્ઞમાં ભાગ લેવો એ આપણી પવિત્ર ફરજ બની રહે છે.

તા. ૧૭ મે થી ૩૧ મે સુધી પ્રક્રિયા ચાલશે

તા. ૧૭ મે થી ૩૧ મે સુધી સાંસદએ વધુમાં ઉમેર્યું હતું કે, ટેકનોલોજીના માધ્યમથી નાગરિકો માટે ઘરબેઠા જ ‘સ્વ-ગણના’ (Self-Enumeration) કરવાની એક પ્રશંસનીય કડી શરૂ કરાઈ છે. તા. ૧૭ મે થી ૩૧ મે સુધી ચાલનારી આ પ્રક્રિયામાં લોકો સુરક્ષિત રીતે ઓનલાઈન માધ્યમથી પોતાની સાચી અને સંપૂર્ણ વિગતો નોંધી શકે છે. નાગરિકોને આશ્વસ્ત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે, આ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના બેંક એકાઉન્ટ નંબર જેવી સંવેદનશીલ માહિતી માંગવામાં આવતી નથી અને કાયદા મુજબ તમામ વિગતો તદ્દન ગુપ્ત રાખવામાં આવે છે. પોતાના પરિવારની ઓનલાઈન નોંધણી પૂર્ણ કરી સાંસદએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, પોતાના અનોખા મિજાજ માટે જાણીતા આપણા ‘સુરતી લાલાઓ’ આ પ્રક્રિયામાં ૧૦૦ ટકા ભાગીદારી નોંધાવીને સુરતને સમગ્ર દેશમાં મોખરે રાખશે અને સચોટ તેમજ સર્વસમાવેશી રાષ્ટ્રનિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે એડિશનલ સિટી સેન્સસ ઓફિસર રાકેશ મોદી સહિત સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નાગરિકો ઘરે બેઠા જાતે જ ઓનલાઈન ‘સ્વ-ગણતરી’ કરી શકશે

કેન્દ્ર સરકારની વિશેષ સુવિધા: ૧૭ થી ૩૧ મે સુધી નાગરિકો ઘરે બેઠા જાતે જ ઓનલાઈન ‘સ્વ-ગણતરી’ કરી શકશે.કેન્દ્ર સરકાર દ્વારા ૧૭મી મે થી ૩૧મી મે, ૨૦૨૬ દરમિયાન નાગરિકો માટે ૧૫ દિવસની એક વિશેષ સુવિધા આપવામાં આવી છે, જેના ભાગરૂપે કોઈપણ નાગરિક વસ્તીગણતરીના સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર જઈને પોતાના ઘર અને પરિવાર સંબંધિત માહિતી જાતે અને અત્યંત સરળતાથી ઓનલાઇન ભરી શકે છે. આ સુવિધાથી સમયની બચત થશે, ડેટા વધુ સચોટ બનશે અને નાગરિકોની તમામ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત અને સુરક્ષિત રહેશે.

મોબાઈલ કે કમ્પ્યુટરના માધ્યમથી સરળ સ્ટેપ્સ દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે

સ્વ-ગણતરી (Self-Enumeration) માટે નાગરિકો પોતાના મોબાઈલ કે કમ્પ્યુટરના માધ્યમથી સરળ સ્ટેપ્સ દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે, જેમાં સૌપ્રથમ સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર જવાનું રહેશે. ત્યાર બાદ પોતાના મોબાઈલ નંબર પર OTP મેળવીને લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા બાદ પોતાનું રાજ્ય, જિલ્લો અને સ્થાનિક વહીવટી વિગતો પસંદ કરવાની રહેશે. ડિજિટલ નકશા પર પોતાના ઘરનું ચોક્કસ સ્થાન ચિહ્નિત (Mark) કરવાનું રહેશે. ઘર અને પરિવાર સંબંધિત તમામ જરૂરી માહિતી ઓનલાઈન ફોર્મમાં ભરવાની રહેશે. ત્યારબાદ ફોર્મ સબમિટ કર્યા પછી નાગરિકને એક યુનિક SE ID (સેલ્ફ એન્યુમેરેશન આઈડી) મળશે, જેને સુરક્ષિત રાખવાનો રહેશે.આગામી સમયમાં જ્યારે વસ્તીગણતરી કરનાર (ગણતરીકાર) તમારા ઘરે મુલાકાત લેશે, ત્યારે તેમને માત્ર આ SE ID આપવાનો રહેશે, જેનાથી તેઓ માહિતીની ત્વરિત પુષ્ટિ (Verify) કરી લેશે.