Vadodara Crime News: વડોદરાની પાદરા પોલીસની ટીમે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સનો બખૂબી ઉપયોગ કરીને છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. ખાસ કરીને, ચતુર આરોપી સુધી પહોંચવા માટે પોલીસ કર્મચારીઓએ અપનાવેલી 'વસ્તી ગણતરી'ની તરકીબ ભારે ચર્ચાનો વિષય બની છે.
શું હતો સમગ્ર ગુનાહિત મામલો?
આ પણ વાંચો
વર્ષ 2024માં પાદરા પોલીસ સ્ટેશનમાં દારૂનો એક ગંભીર ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સુરેન્દ્રગીરી ગોરધનગીરી ગોસ્વામીનું (રહે. રાજીવ મંગરા પુંજલા, જોધપુર, રાજસ્થાન) નામ ખુલ્યું હતું. ગુનો નોંધાયા બાદથી જ આરોપી પોલીસ પકડથી દૂર થઈ ગયો અને છેલ્લા બે વર્ષથી તે ફરાર હતો. પાદરા પોલીસ સતત આ આરોપીને શોધવા માટે પ્રયત્નશીલ હતી.
પોલીસે કેવી રીતે બિછાવી જાળ?
તાજેતરમાં પોલીસને બાતમી મળી હતી કે આરોપી પોતાના વતનમાં જ છુપાયેલો છે. આ માહિતીના આધારે પોલીસે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને મોબાઈલ લોકેશનના આધારે તેનું ચોક્કસ લોકેશન ટ્રેસ કર્યું હતું. તપાસમાં આરોપી જોધપુરના મંગરા પુંજલા વિસ્તારમાં હોવાનું જણાતા પાદરા પોલીસની એક ટીમ તાત્કાલિક રાજસ્થાન રવાના થઈ હતી.
વસ્તી ગણતરીનું નાટક અને ફિલ્મી ઢબે ધરપકડ
જોધપુર પહોંચ્યા બાદ પોલીસ માટે સૌથી મોટો પડકાર આરોપીનું ચોક્કસ ઘર શોધવાનો હતો, કારણ કે તે વિસ્તારમાં એક જેવા દેખાતા ઘણા મકાનો આવેલા હતા. પોલીસની હાજરીથી આરોપી સાવધ ન થઈ જાય તે માટે પોલીસે અનોખી યુક્તિ અજમાવી.
પાદરા પોલીસના કર્મચારીઓએ 'વસ્તી ગણતરી' કરનાર સરકારી કર્મચારીઓનો સ્વાંગ રચ્યો હતો. આ સ્વરૂપમાં આવીને ટીમે વિસ્તારમાં તપાસ શરૂ કરી અને આશરે 8 થી 10 મકાનોની ચકાસણી કર્યા બાદ તેઓ આખરે આરોપીના ઘર સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.
પોલીસે વસ્તી ગણતરીના બહાને દરવાજો ખખડાવ્યો હતો. જેવો આરોપી દરવાજો ખોલીને બહાર આવ્યો, પોલીસે તેની ઓળખની ખાતરી કરી અને તેને તાત્કાલિક દબોચી લીધો હતો. આમ, બે વર્ષથી કાયદાની આંખમાં ધૂળ નાખીને ફરી રહેલા આરોપીને પાદરા પોલીસે પોતાની અદભૂત સૂઝબૂઝથી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
