Vadodara Crime News: વડોદરા જિલ્લાના મંજુસર ગામે બસ સ્ટેન્ડ નજીક આવેલી એક કરિયાણાની દુકાનની આડમાં ધમધમતા ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો મંજુસર પોલીસે પર્દાફાશ કર્યો છે. સ્થાનિક પોલીસે બાતમીના આધારે હાથ ધરેલી કાર્યવાહીમાં જોખમી રીતે ગેસ ટ્રાન્સફર કરતા એક યુવક અને દુકાન સંભાળતી એક મહિલા સહિત બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કડક કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મંજુસર બસ સ્ટેન્ડ પાસે આવેલી 'દિલીપ પ્રોવિઝન સ્ટોર' નામના કરિયાણાસ્ટોરની આડમાં ગેરકાયદે કાળો કારોબાર ચાલી રહ્યો હતો. દુકાન સંચાલકો દ્વારા રાંધણ ગેસના મોટા સિલિન્ડરમાંથી વિશેષ પાઈપની મદદથી અન્ય બાટલાઓમાં ગેસ ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવતો હતો.
આ પણ વાંચો
આ પ્રક્રિયા બાદ બોટલો પર બોગસ સીલ અને ઢાંકણ લગાવીને તેને અસલી સિલિન્ડર તરીકે ગ્રાહકોને ઊંચા ભાવે વેચવામાં આવતા હતા. પોલીસને આ અંગેની ચોક્કસ બાતમી મળતાં જ ઓચિંતો છાપો મારવામાં આવ્યો હતો, જ્યાં એક શખ્સ ખુલ્લેઆમ આ જોખમી પ્રવૃત્તિ કરતો નજરે પડ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન દુકાનમાંથી કોમર્શિયલ વપરાશના અને ઘરેલુ વપરાશના મોટા તથા નાના મળીને કુલ 48 ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં કોમર્શિયલ ગેસના ભરેલા, અર્ધભરેલા અને ખાલી સિલિન્ડરોની સાથે-સાથે ઘરેલુ વપરાશના નાના-મોટા સિલિન્ડરોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, પોલીસે ઘટનાસ્થળથી રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાતી ખાસ પાઈપ, વજનકાંટો, બોટલના નકલી સીલ, ઢાંકણ અને બે મોબાઈલ ફોન સહિત આશરે 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ ગેરકાયદે નેટવર્કમાં સંડોવાયેલા મુખ્ય આરોપીમાં મૂળ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના વતની અને હાલ મંજુસરની પરદેશી નગર સોસાયટીમાં રહેતા 30 વર્ષીય નરેન્દ્રસિંહ માનસિંહ રાજપૂત તથા મંજુસરના સોખડા રોડ પર આવેલી પરદેશી નગર સોસાયટીમાં જ રહેતાં 47 વર્ષીય રોશનબેન વોરા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વસ્તીવાળા અને રહેણાંક વિસ્તારની નજીક કોઈ પણ પ્રકારના સુરક્ષા સાધનો કે આગથી બચવાના સાધનો વિના આ જોખમી ગેસ રિફિલિંગનું કામ ચાલી રહ્યું હતું. જેના કારણે ગમે ત્યારે કોઈ મોટી જાનહાની કે ગંભીર હોનારત સર્જાવાની પૂરી શક્યતા હતી. પોલીસે સમયસૂચકતા વાપરીને આ રેકેટને ઝડપી પાડતા મોટી દુર્ઘટના ટળી છે, અને સમગ્ર ઘટના અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
