વડોદરા: કરચીયા ગામે 19 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત, દહેજ માટે ત્રાસ આપ્યાનો આક્ષેપ; પતિ સામે ગુનો દાખલ

આ મામલે મૃતકના માતાએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 26 Oct 2026 04:38 PM (IST)Updated: Mon, 26 Oct 2026 04:38 PM (IST)
karchiya-village-kajal-committed-suicide-dowry-harassment-case-vadodara-police-investigation

Vadodara Woman Suicide: વડોદરા નજીક આવેલા કરચિયા ગામે એક 19 વર્ષીય પરિણીતાએ એસિડ પીને જીવન ટૂંકાવી લેવાની ઘટના સામે આવી છે. લગ્નના માત્ર છ જ મહિનામાં દહેજની માંગણીના ગંભીર આક્ષેપો વચ્ચે બનેલી આ દુર્ઘટનાને કારણે ચકચાર મચી છે. આ મામલે મૃતકનામાતાએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં જમાઈ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના પામોલ રોડ પર આવેલા ગોકુલનગરમાં રહેતા સજ્જનબેન તળપદાની 19 વર્ષીય પુત્રી કાજલના લગ્ન ગત 9 એપ્રિલ, 2026 ના રોજ વડોદરાના કરચિયા ગામના અશોકભાઈ માળીના પુત્ર હર્ષદ સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદથી જ પતિ હર્ષદ દ્વારા દહેજની માંગણીને લઈને કાજલને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

પતિ વારંવાર ઝઘડો કરી તેને મારઝૂડ કરતો હતો, જે અંગે કાજલે અગાઉ પણ પોતાની માતાને જાણ કરી હતી. જોકે, પરિવારે દીકરીનું ઘર ન બગડે તે હેતુથી સમજાવીને સાસરે પરત મોકલી હતી. આશરે બે મહિના અગાઉ પણ હર્ષદે કાજલ સાથે મારપીટ કરીને તેને બોરસદ ખાતે પિયર મૂકી દીધી હતી. ત્યારબાદ નવરાત્રિ દરમિયાન સમાજના આગેવાનોની મધ્યસ્થીથી સમાધાન થતાં, દશેરાના દિવસે પરિવારજનો દ્વારા કાજલને સાસરે પરત મોકલવામાં આવી.

ઘટનાની આગલી રાત્રે કાજલે પોતાના પરિવાર સાથે ફોન પર વાતચીત કરી હતી, જે દરમિયાન તે ભારે ગભરાયેલી જણાઈ હતી. દરમિયાન, 25 ઓક્ટોબરના રોજ વહેલી સવારે આશરે ચાર વાગ્યે કાજલના દાદા સસરા માનસિંગભાઈનો ફોન આવ્યો કે કાજલે એસિડ પી લીધું છે. આ ખબર સાંભળતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેઓ તાત્કાલિક વડોદરા દોડી આવ્યા હતા.

યુવતીને ગંભીર હાલતમાં વડોદરાના છાણી વિસ્તારમાં આવેલ શ્રીજી હોસ્પિટલમાં ICU વોર્ડમાં દાખલ કરવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું હતું. દીકરીના દુઃખદ અવસાન બાદ શોકગ્રસ્ત પિતાએ આક્ષેપ કર્યો કે, સાસરીયાવાળા આ ગંભીર કેસમાં સમાધાન કરવા માટે તેમને દસ લાખ રૂપિયાની ઓફર કરી રહ્યા છે.

મૃતકના પિતાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેમને રૂપિયા નથી જોઈતા, પરંતુ પોતાની દીકરી માટે ન્યાય જોઈએ છે. આ મામલે મૃતકની માતા સજ્જનબેનની ફરિયાદના આધારે જવાહરનગર પોલીસે પતિ હર્ષદ અશોકભાઈ માળી વિરુદ્ધ દહેજ ઉત્પીડન, મારપીટ અને દુષ્પ્રેરણનો ગુનો નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.