AAP પર લાગેલા હવાલાના આરોપ અંગે મનિષ સિસોદિયાનો પલટવાર, કહ્યું- 'માત્ર સેકન્ડોના વીડિયો નહીં, આખા મહિનાના ફૂટેજ જાહેર કરો'

CR પાટીલ સુરતની 27 સરકારી સ્કૂલોનું લિસ્ટ આપે, જ્યાં શાનદાર શિક્ષણ આપવામાં આવતું હોય: મનિષ સિસોદિયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 22 Apr 2026 03:45 PM (IST)Updated: Wed, 22 Apr 2026 03:45 PM (IST)
aap-seeks-majority-in-surat-civic-polls-manish-sisodia-sisodia-slams-bjp-governance
HIGHLIGHTS
  • જો સ્માર્ટ મીટર વિરુદ્ધ અવાજ ઉઠાવવો હોય તો AAPને વોટ કરો
  • AAPના કોર્પોરેટરો વિપક્ષમાં રહીને પણ શાળાઓ બનાવડાવી, હોસ્પિટલોના બેડ વધાર્યા

Surat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે સુરતનું રાજકીય વાતાવરણ ચરમસીમાએ પહોંચ્યું છે. આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આજે સુરતની મુલાકાત લીધી હતી. તેમણે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપ પર આકરા પ્રહારો કરતાં સુરતની જનતાને 'આપ'ને પૂર્ણ બહુમતી આપવા અપીલ કરી હતી.

શિક્ષણ અને આરોગ્યના મુદ્દે ભાજપને પડકાર

મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, ગત ચૂંટણીમાં સુરતના લોકોએ અમને 27 બેઠકો આપીને જે વિશ્વાસ મૂક્યો હતો, તે અમારા વિઝન પર હતો. છેલ્લા પાંચ વર્ષમાં ભાજપે માત્ર અમને ગાળો આપવાનું કામ કર્યું છે, પરંતુ પોતાના ભ્રષ્ટાચાર સિવાય સુરત માટે કંઈ કર્યું નથી.

તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પડકાર ફેંકતા કહ્યું કે, ભાજપ સુરતમાં એવી 27 સરકારી સ્કૂલો બતાવે જે સામાન્ય અને મધ્યમ વર્ગના બાળકો માટે વિશ્વસ્તરીય હોય. જો શિક્ષણ અને સ્કૂલ પર રાજનીતિ થશે તો જ દેશ આગળ વધશે.

ટેક્સ અને સ્માર્ટ મીટર મુદ્દે મોટી જાહેરાત

સુરતના વેપારીઓ અને સામાન્ય જનતાનો પક્ષ લેતા સિસોદિયાએ જણાવ્યું કે, સુરતના લોકો હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ દ્વારા દેશના અર્થતંત્રમાં મોટું યોગદાન આપે છે. અહીં પૈસાની કમી નથી, છતાં સુવિધાઓ કેમ નથી? ભાજપ હવે પાણી પર પણ ટેક્સ નાખવાની તૈયારી કરી રહ્યું છે. તેમણે ખાતરી આપી હતી કે, જો સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, તો પાણી વેરો સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. કોઈપણ પ્રકારના બિનજરૂરી ટેક્સ લાદવામાં નહીં આવે. તેમજ સ્માર્ટ મીટર ના નામે ચાલી રહેલી લૂંટ બંધ કરાવવામાં આવશે.

હવાલાના આરોપો પર વળતો પ્રહાર

આમ આદમી પાર્ટી પર લાગેલા હવાલાના આરોપો અંગે પ્રતિક્રિયા આપતા સિસોદિયાએ જણાવ્યું કે, જો 30 વર્ષના શાસન પછી પણ ગુજરાતમાં આંગડિયા અને હવાલાનો કારોબાર ચાલતો હોય, તો તે ભાજપની નિષ્ફળતા છે. પોલીસ પાસે જો ફૂટેજ હોય તો માત્ર થોડી સેકન્ડના વીડિયો બતાવીને પ્રોપગેન્ડા ના કરો, આખા મહિનાના ફૂટેજ જાહેર કરો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયાના આક્ષેપો

આ પ્રસંગે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપના નેતાઓ 'સોનાની થાળીમાં લોખંડના ખીલા' સમાન અમને ડરાવવા-ધમકાવવા માંગે છે, પણ અમે સંઘર્ષ છોડવાના નથી. તેમણે કટાક્ષ કર્યો કે ભાજપના વોર્ડ લેવલના નેતાઓ કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે અને તેઓ અમારી રાષ્ટ્રીય પાર્ટી પર મામૂલી રકમના આરોપ લગાવી રહ્યા છે. બીજી તરફ, મનોજ સોરઠીયાએ ભાજપના ઉમેદવાર દ્વારા મહિલા સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂકનો મુદ્દો ઉઠાવી મહિલા સુરક્ષા પર સવાલ કર્યા હતા.

મનીષ સિસોદિયાએ અંતમાં ઉમેર્યું કે, ગુજરાતની જનતા હવે ભાજપના 30 વર્ષના શાસનથી 'કંટાળી' ગઈ છે અને પરિવર્તન માટે આમ આદમી પાર્ટી તરફ આશાભરી નજરે જોઈ રહી છે.