Surat Bullet Train Station: દેશની પહેલી હાઈ-સ્પીડ બુલેટ ટ્રેનના સંચાલનની તૈયારીઓ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે અને મે 2027માં સુરત-બીલીમોરા વચ્ચે પ્રથમ તબક્કાની ટ્રેન દોડવાની આશા સાથે સુરત સ્ટેશનનું ભવ્ય તસવીર સામે આવી છે. ડાયમંડ સિટી તરીકે વિખ્યાત સુરતની ઓળખને પ્રતિબિંબિત કરતી ડાયમંડ ફેસેટ થીમ પર તૈયાર કરાયેલું આ સ્ટેશન માત્ર પરિવહનનું કેન્દ્ર નહીં, પરંતુ શહેરના આધુનિક એન્જિનિયરિંગ અને પ્રવાસન આકર્ષણનું નવું પ્રતિક બનવા જઈ રહ્યું છે. આ નવા નિર્માણાધીન સ્ટેશનમાં એવી સુવિધાઓ મુસાફરોને મળશે. જેથી મુસાફરોને એરપોર્ટ જેવો જ એહસાસ થશે.
બુલેટ ટ્રેન સ્ટેશનમાં એરપોર્ટ જેવી સુવિધા
સુરત બારડોલી રોડ પાસે આવેલા આંત્રોલી ગામ ખાતે 26.3 મીટર ઉચાઈ અને 58.352 ચોરસ મીટરના વિશાળ બિલ્ટ અપ એરિયામાં નવું સ્ટેશન આકાર પામ્યું છે. મુસાફરોની અવરજવર સુગમ અને સરળ બને તે ઉદેશ્યથી સ્ટેશનને ગ્રાઉન્ડ ફ્લોર, કોર્નકોર્સ ફ્લોર અને પ્લેટફોર્મ લેવલ એમ ત્રણ સ્તરે વેચવામાં આવ્યું છે.

AC કોનકોર્સ અને મુસાફર સુવિધા
મુસાફરોની સ્ટેશનમાં એન્ટ્રી થતાં સિક્યોરિટી ચેકિંગ બાદનો સમગ્ર અનપેઇડ કોનકોર્સ એર કન્ડિશન્ડ રખાયો છે. જ્યાં વેઇટિંગ લાઉન્જ, ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન, ટિકિટ કાઉન્ટર, લાઈવ ડિસ્પ્લે, કસ્ટમર કેર, બેબી ફીડિંગ રુમ અને ફર્સ્ટ એઇડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

દિવ્યાંગજનો માટે ખાસ વ્યવસ્થા
સ્ટેશનમાં વાઇબ્રેશન હેંગર્સ, ગ્રેનાઇટ ફ્લોરિંગની સાથે રેમ્પ, ટેક્ટાઈલ પાથ-વે, ફાયર રેટેડ પેનલ્સ, બ્રેઇલ લિપિના સાઈનેજ બોર્ડની ખાસ વ્યવસ્થા કરાઈ છે. ઉપરાંત પીવાના પાણીની ખાસ સુવિધા રહેશે. તેમજ મહિલાઓ અને દિવ્યાંગો માટે ખાસ શૌચાલયની વ્યવસ્થા રહેશે.

પ્લેટફોર્મ અને કનેક્ટિવિટી
ઓલ સ્ટોપ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવેલા આ સ્ટેશન પર 4 ટ્રેક અને 2 આઈલેન્ડ પ્લેટફોર્મ બનાવાયા છે. જ્યાં તમામ બુલેટ ટ્રેનો થોભશે ઉપરાંત પેઇડ એરિયામાં સુરતની સંસ્કૃતિ દર્શાવતી આર્ટ વોલ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

મેટ્રો-બીઆરટીએસ જોડાણ અને પર્યાવરણલક્ષી આયોજન
સ્ટેશન આસપાસ ટ્રાફિકનો ભાર ન વધે તે માટે સુરત મહાનગરપાલિકા અને સુડાના સહયોગથી મલ્ટી-મોડલ ઇન્ટિગ્રેશન હેઠળ કામગીરી થઈ રહી છે. પ્રસ્તાવિત મેટ્રો સ્ટેશન 280 મીટર અને બીઆરટીએસ સ્ટોપ 330 મીટર દૂર રહેશે, જ્યારે નેશનલ હાઈવે-48, ચલથાણ, સિટી બસ સ્ટેન્ડ અને સુરત રેલવે સ્ટેશન સાથે પણ ઝડપી જોડાણ મળશે.
