Sabarkantha: ગુજરાતના માથે ધોધમાર વરસાદ લાવતું ડિપ્રેશન પસાર થઈ રહ્યું હોવાથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સ્થાનિક નદી અને નાળા છલકાઈ ગયા છે. એવામાં આજે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલા પર્યટન સ્થળ પોલો ફોરેસ્ટમાં ફરવા આવેલા સાત જેટલા યુવાનો પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા હતા. જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદમાં ઈન્ટર્નશિપ કરતાં સાત જેટલા યુવકોનું એક ગ્રુપ આજે સવારના 6 વાગ્યાના અરસામાં પોલો ફોરેસ્ટ ફરવા માટે આવ્યા હતા. આ દરમિયાન ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદના કારણે વણજ ડેમમાંથી અચાનક પાણી છોડવામાં આવ્યું હતુ. જેના પગલે હરણાવ નદીમાં અચાનક પાણીની આવક વધી જતાં તમામ યુવકો નદીની સામેના છેડે બેસી રહેવા મજબૂર બન્યા હતા.
પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે નદીની બીજી બાજુમાં યુવકો ફસાઈ ગયા હોવાની જાણ થતાં વિજયનગર પોલીસે તાત્કાલિક રેસ્ક્યુ ઑપરેશન હાથ ધર્યું હતુ. પોલીસની પેટ્રોલિંગ વાન દ્વારા માઈક પર એનાઉન્સમેન્ટ કરીને યુવકોને હિંમત આપવામાં આવી હતી.
પોલીસ દ્વારા યુવકોને જણાવવામાં આવ્યું હતું કે, હજુ પણ પાણી સતત વધી શકે છે. આથી અમે જ્યાં સુધી ના કહીએ, ત્યાં સુધી પાણીમાં ઉતરવાની કોશિશ ના કરતા. અમે તમને બચાવવા માટે પ્રયાસ કરીએ છીએ. અમે જયાં સુધી ના પહોંચીએ, ત્યાં સુધી તમે ઝાડ નીચે બેસી રહો.
આ માટે પોલીસે પોલો ફોરેસ્ટના ચોકીદારોની મદદથી ડુંગર પર 4 કિલોમીટર જેટલું ચઢાણ કરીને નદીની બીજી બાજુ પહોંચીને યુવાનોને હેમખેમ બહાર લાવવામાં આવ્યા હતા. પોતાને રેસ્ક્યુ કરવામાં આવ્યા બાદ યુવકોએ પોલીસનો આભાર માન્યો હતો. તેમણે આવી સ્થિતિમાં પોલો ફોરેસ્ટમાં ના જવા માટે લોકોને અપીલ કરી હતી.
સાબરકાંઠા જિલ્લામાં આજે કેટલો વરસાદ વરસ્યો
જો આજે સાબરકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદની વિગતો જોઈએ તો, ઈડર તાલુકામાં સૌથી વધુ 63 મિ.મી (2.4 ઈંચ), પ્રાંતિજમાં 63 મિ.મી (2.4 ઈંચ),હિંમતનગરમાં 55 મિ.મી (2.17 ઈંચ), વિજયનગરમાં 54 મિ.મી (2.13 ઈંચ), વડાલીમાં 50 મિ.મી (1.9 ઈંચ), ખેડબ્રહ્મામાં 47 મિ.મી (1.8 ઈંચ), તલોદમાં 40 મિ.મી (1.5 ઈંચ) અને પોશીનામાં 21 મિ.મી વરસાદ વરસ્યો છે.