Sabarkantha Rain News: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના રતનપુરા ગામ પાસે સાબરમતી નદીના પાણીમાં ફસાયેલા 9 નાગરિકોને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમે સફળતાપૂર્વક બચાવ્યા છે. આ ઘટના પૂરના પાણીને કારણે સર્જાઈ હતી, જ્યાં કેટલાક લોકો નદીમાં ફસાયા હોવાની માહિતી સ્થાનિક વહીવટીતંત્રને મળી હતી. NDRFની 6 બટાલિયન દ્વારા આ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સાબરકાંઠાના સિવિલ એડમિનિસ્ટ્રેશન તરફથી મળતી માહિતી મુજબ, રતનપુરા ગામ ખાતે સાબરમતી નદીમાં કેટલાક લોકો ફસાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આ જાણકારી મળતા જ, 6 બટાલિયન NDRFની ટીમ હિંમતનગર ખાતેના તેમના રોકાણ સ્થળેથી તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. ટીમે ઝડપથી કાર્યવાહી કરીને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
આ બચાવ કામગીરી દરમિયાન, NDRFની ટીમે કુલ ૦૯ નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. બચાવ પામેલા લોકોમાં 2 પુરુષો, 4 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. ટીમના સમયસર અને સક્રિય પ્રયાસોને કારણે મોટી જાનહાનિ ટળી હતી. NDRF દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે.