Sabarkantha: ગુજરાત ઉપર વરસાદ લાવતી સિસ્ટમ સક્રિય થતાં ગત બુધવારથી ઉત્તર ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા ચારેક દિવસથી ઉત્તર ગુજરાતના અલગ-અલગ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં પણ આજે નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
આજે સાબરકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદની વિગતો જોઈએ તો, આજે વહેલી સવારથી જિલ્લામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. જેમાં જિલ્લાના તલોદ તાલુકામાં સૌથી વધુ 76 મિ.મી (2.9 ઈંચ), પોશીનામાં 72 મિ.મી (2.8 ઈંચ), પ્રાંતિજમાં 69 મિ.મી (2.7 ઈંચ), વિજયનગરમાં 32 મિ.મી (1.2 ઈંચ), હિંમતનગરમાં 31 મિ.મી (1.2 ઈંચ), ખેડબ્રહ્મામાં 31 મિ.મી (1.2 ઈંચ), ઈડરમાં 22 મિ.મી અને વડાલીમાં 10 મિ.મી વરસાદ નોંધાયો છે.
ઉત્તર ઓડિશાથી આવેલું હવાનું નબળુ દબાણ પૂર્વ મધ્ય પ્રદેશ પર નબળું પડીને બનેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ ઉપર બનેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાયેલી ટ્રફ લાઈન અને મોન્સૂન ટ્રફના કારણે ઉત્તર ગુજરાતમાં આગામી 8 સપ્ટેમ્બર સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે તકેદારીના ભાગરૂપે NDRFની એક ટીમને ગઈકાલે રાતથી હિંમતનગર તૈનાત કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લામાં સિઝનનો સરેરાશ 127 ટકાથી વધુ વરસાદ વરસ્યો
આ વર્ષે ચોમાસામાં સાબરકાંઠા જિલ્લામાં સિઝનનો સરેરાશ 127.83 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જો તાલુકા પ્રમાણે વરસાદની વિગતો જોઈએ તો, ખેડબ્રહ્મામાં સૌથી વધુ 180.76 ટકા અને પોશીનામાં સૌથી ઓછો 80.60 ટકા વરસાદ નોંધાયો છે. આ સિવાય વિજયનગરમાં 122 ટકા, વડાલીમાં 179.65 ટકા, ઈડરમાં 147.16 ટકા, હિંમતનગરમાં 108.31 ટકા, પ્રાંતિજમાં 87.13 ટકા અને તલોદમાં 114.91 ટકા વરસાદ વરસ્યો છે.