Rajkot Demolition Drive: રાજકોટમાં મધરાતે 12 મંદિરો પર ફર્યું બુલડોઝર, મવડીમાં સ્થાનિકોનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો

મવડી વિસ્તારમાં વહેલી સવાર સુધી અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે રકઝક ચાલી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 15 May 2026 11:24 AM (IST)Updated: Fri, 15 May 2026 11:24 AM (IST)
rajkot-temple-demolition-in-mavdi-locals-protest-against-rmc
HIGHLIGHTS
  • રાજકોટ મનપાની ડિમોલિશન કાર્યવાહી
  • 12 જેટલા મંદિરો પર બુલડોઝર ફેરવ્યા
  • મવડી વિસ્તારમાં સ્થાનિકોએ વિરોધ કર્યો

Rajkot Temple Demolition: રાજકોટ મહાનગરપાલિકાએ (RMC) શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ધાર્મિક દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી છે. રાજકોટ મનપા દ્વારા 14 મે, ગુરુવારની મોડી રાત્રે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ટ્રાફિકને નડતરરૂપ 12 જેટલા મંદિરો અને હનુમાનજીની ડેરીઓ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

મવડી મેઈન રોડ પર હાઈવોલ્ટેજ ડ્રામા

જ્યારે રાજકોટ મહાનગરપાલિકાનો કાફલો મવડી મેઈન રોડ પર ડિમોલિશન માટે પહોંચ્યો, ત્યારે સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રોષે ભરાયેલા લોકો રસ્તા પર બેસી ગયા હતા, અને મંદિરને બચાવવાના પ્રયાસરૂપે રામધૂન બોલાવવાનું શરૂ કરી દીધું હતું. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી.

naidunia_image

સ્થાનિકોની દલીલ હતી કે, આ મંદિર ટ્રાફિકને કોઈ જ રીતે અડચણરૂપ નથી, તેથી તેને તોડવું જોઈએ નહીં. જોકે, લાંબી ચર્ચા બાદ સ્થાનિકોએ આગામી 48 કલાકમાં મંદિરની સાઈઝ નાની કરી દેવાની ખાતરી આપતા, તંત્ર દ્વારા માત્ર રસ્તા પરના ઓટાને બુલડોઝર વડે તોડીને કામગીરી સમેટી લેવાઈ હતી.

સત્તાધારી પક્ષ ભાજપ સામે લોકોનો રોષ

મધરાતે મંદિરો તોડવાની આ કાર્યવાહીને પગલે હિન્દુ સંગઠનો અને સ્થાનિક નાગરિકોમાં સત્તાધારી પક્ષ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ ભાજપની નીતિઓ સામે આકરા પ્રહાર કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "ભાજપ ધર્મના નામે મત માગીને ચૂંટાઈ છે. હિન્દુઓએ ભાજપને ભરી-ભરીને મત આપ્યા છે. કોર્પોરેટરોને મત મળી ગયાં એટલે આજે તેઓ આરામથી સુતા છે. આજે 2 લોકો જાગ્યા છે, કાલે 5 હજાર લોકો જાગશે. સત્તા ક્યારે જતી રહેશે તેની ખબર પણ નહિ પડે."

naidunia_image

શા માટે રાત્રીના ડિમોલિશન કાર્યવાહી?

આ કાર્યવાહી માટે રાતનો સમય પસંદ કરવા પાછળ તંત્રની એક ખાસ રણનીતિ હતી. દિવસના સમયે જો આવી કામગીરી કરવામાં આવે તો લોકોના ટોળેટોળા ઉમટી પડે અને મોટું ઘર્ષણ સર્જાવાની શક્યતા રહેલી છે, આથી તંત્ર દ્વારા રાત્રીના સમયે જ ડિમોલિશનનો વ્યૂહ અપનાવ્યો હતો.

આ સમગ્ર મેગા ઓપરેશન રાત્રે 1:30 વાગ્યાથી શરૂ થઈને વહેલી સવારે 5 વાગ્યા સુધી ચાલ્યું હતું. કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે મહાનગરપાલિકાની ટીમ સાથે ફાયર વિભાગ, PGVCL, વિજિલન્સ અને સ્થાનિક પોલીસનો મોટો કાફલો તથા મજૂરોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા.