Rajkot: રાજકોટ શહેરમાં ખાખી વર્દીને શરમાવે તેવી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. શહેરના ટ્રાફિક બ્રાન્ચમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઇમરાન હબીબ રાઉમાએ એક પરિણીતાએ દુષ્કર્મ ગુજારી તેને ધર્મ પરિવર્તન કરવા અને તાવીજ પહેરવા માટે દબાણ કરી પરાણે પોતાની થૂંક પીવડાવતો હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે.
તેમજ પરિણીતાની 5 વર્ષની માસૂમ પુત્રી સાથે પણ અડપલાં કર્યા હતા અને બાળકીને આફ્રિકા વેચી દેવાની ધમકી આપી હતી.રાજકોટના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતી એક મહિલાએ ટ્રાફિક બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ઈમરાન હબીબ રાઉમા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે.
આરોપી ફરિયાદી મહિલાને પરાણે પોતાનું થૂંક પીવડાવતો
મહિલાના જણાવ્યા અનુસાર, દોઢેક વર્ષ પહેલા જ્યારે તે તેની પુત્રી સાથે તેના માતાના ઘરે રોકાવા ગઈ હતી, ત્યારે પાડોશમાં રહેતા ઈમરાને તેની સાથે ઓળખાણ વધારી હતી. એક દિવસ જ્યારે મહિલા દરજીને ત્યાં બ્લાઉઝ સીવડાવવા ગઈ હતી, ત્યારે ત્યાં હાજર ઈમરાને તેને પોતાની વાતોમાં ફસાવી ધમકાવી હતી.
જે બાદ તેના ઘરમાં ઘૂસીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ મહિલાના અશ્લીલ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા અને તેને વાયરલ કરવાની ધમકી આપીને અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
પીડિત મહિલાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ઈમરાન તેને ધર્મ પરિવર્તન કરવા અને તાવીજ પહેરવા માટે ભારે દબાણ કરતો હતો, તેમજ તેને પરાણે પોતાની થૂંક પીવડાવતો હતો. આરોપી એટલો ક્રૂર હતો કે તેણે મહિલાની 5 વર્ષની માસૂમ પુત્રી સાથે પણ અડપલાં કર્યા હતા અને બાળકીને આફ્રિકા વેચી દેવાની ધમકી આપી હતી.
પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા, ક્રાઈમ બ્રાન્ચ સુધી મામલો પહોંચતા આરોપી સકંજામાં
આ આખી ઘટનામાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે, કારણ કે મહિલા જ્યારે ગાંધીગ્રામ-2 પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગઈ ત્યારે મહિલા પીએસઆઈએ તેને કલાકો સુધી બેસાડી રાખી હતી અને ફરિયાદ લેવાને બદલે કોરા કાગળ પર સહી કરાવી લીધી હોવાનો આક્ષેપ છે. આખરે મામલો ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી સુધી પહોંચતા ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ હેડ કોન્સ્ટેબલ ઈમરાન વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે.
હેડ કોન્સ્ટેબલ ઈમરાન હબીબ રાઉમા ઘરમાં ઘૂસી જતો અને બાળકી સામે બિભત્સ ચેનચાળા કરતો તેમજ તેની સાથે અડપલાં કરતો હતો. આ બાબત સામે આવતા પોલીસે ગુનામાં પોક્સો એક્ટની કલમોનો પણ ઉમેરો કર્યો છે.
હાલમાં ગાંધીગ્રામ-2 પોલીસે ઇમરાન રાઉમાની અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. એક રક્ષક જ જ્યારે ભક્ષક બને છે ત્યારે સમાજમાં પોલીસની છબી ખરડાય છે, તેવા લોકમુખે ચર્ચાઈ રહી છે.
