'માત્ર વરસાદ પડે એટલે ચોમાસું બેસી ગયું એમ નહીં'- પરેશ ગોસ્વામી પાસેથી જાણો મેઘરાજાની સત્તાવાર પધરામણી પાછળનું અસલી ગણિત

કેરળમાં 3 માપદંડો પરિપૂર્ણ થાય તે પછી હવામાન વિભાગ ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત કરે.જેના 15 દિવસ બાદ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરતું હોય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 14 May 2026 11:09 PM (IST)Updated: Thu, 14 May 2026 11:09 PM (IST)
paresh-goswami-weather-forecast-journey-of-the-monsoon-entering-from-the-andamans-to-gujarat
AI Image
HIGHLIGHTS
  • મોટાભાગે 15 થી 20 મેની આસપાસ આંદામાન-નિકોબારના ટાપુ પર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે

Paresh Goswami Weather Forecast For Monsoon: છેલ્લા કેટલાક દિવસોથી હીટવેવના કારણે સમગ્ર ગુજરાતમાં આગ ઝરતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આજે પણ રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રીની આસપાસ નોંધાયો છે.

એવામાં ઉનાળાના આકરા તાપથી ત્રસ્ત લોકો ચોમાસાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ભારતમાં ચોમાસાના પ્રવેશથી માંડીને ગુજરાતમાં આગમન સુધીની સફર વિશે વિગતવાર માહિતી આપી છે.

ભારતમાં 15 થી 20 મેની આસપાસ બંગાળની ખાડીમાં ચોમાસાનો પ્રવેશ થાય

પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, અત્યારે ઉનાળો તેના અંત તરફ જઈ રહ્યો છે અને ચોમાસું ખૂબ જ નજીક આવી રહ્યું છે. ભારતમાં ચોમાસાનો સૌથી પહેલા પ્રવેશ 15 થી 20 મેની આસપાસ બંગાળની ખાડીમાં આવેલા આંદામાન-નિકોબાર ટાપુ પર થાય છે. જે બાદ આ પવનો આગળ વધીને અરબ સાગર અને આફ્રિકાના મડાગાસ્કર સુધી જતા હોય છે અને પછી ત્યાંથી પરત ફરીને કેરળ તરફ આવે છે.

કેરળમાં ચોમાસું બેસવા માટેના 3 માપદંડો પર આધાર

આમ તો દર વર્ષે 1 જૂનની આસપાસ કેરળના કાંઠે ચોમાસું પહોંચી જતું હોય છે. જો કે માત્ર વરસાદ પડવાથી ચોમાસું બેસી ગયું તેમ ગણી ના શકાય. હવામાન વિભાગ દ્વારા 3 માપદંડોના આધારે કેરળમાં ચોમાસું બેસી ગયું હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે.

આ ત્રણ માપદંડો પર નજર નાંખીએ તો,

વરસાદનું પ્રમાણ: કેરળમાં નક્કી કરાયેલા કુલ 14 વેધર સ્ટેશનો (જેમ કે કોચી, તિરુવનંતપુરમ વગેરે) માંથી 50 ટકા કરતા વધારે સ્ટેશનો પર સતત બે દિવસ સુધી 2.5 મિલીમીટર કરતા વધારે વરસાદ નોંધાવો જોઈએ

પવનની દિશા અને ગતિ: કેરળના દરિયાકાંઠે પશ્ચિમ દિશાનો પવન ફૂંકાવો જોઈએ અને તેની ગતિ સામાન્ય રીતે 35 કિમી પ્રતિ કલાકની હોવી જોઈએ

આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન (OLR): સૂર્યપ્રકાશનું જે રિફ્લેક્શન જમીન પરથી પાછું જાય છે, તે સામાન્ય રીતે 300 આસપાસ હોય છે. ચોમાસાની જાહેરાત માટે આ રિફ્લેક્શન ઘટીને 200 કરતા ઓછું થવું અનિવાર્ય છે.

કેરળથી ગુજરાત પહોંચતા ચોમાસાને 15 દિવસ લાગે

જ્યારે કેરળમાં ઉપરોક્ત ત્રણેય માપદંડો પૂર્ણ થાય, ત્યારે ચોમાસાની સત્તાવાર શરૂઆત થતી હોય છે. જેના આશરે 15 દિવસ બાદ આ વરસાદી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચતી હોય છે.