પરેશ ગોસ્વામીની આગાહીઃ 12 સપ્ટેમ્બરથી ગુજરાતમાં તોફાની વરસાદનો રાઉન્ડ શરૂ થશે, 2 થી 8 ઈંચ ધોધમાર વરસાદની શક્યતા

બંગાળની ખાડીમાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમનો ટ્રેક ફાઈનલ થઈ ગયો છે, જે ક્યાંય ફંટાયા વિના ગુજરાતના સરહદી જિલ્લામાંથી પ્રવેશ કર્યાં બાદ ધીમે-ધીમે આગળ વધતી જશે, તેમ-તેમ વરસાદનો વિસ્તાર અને તીવ્રતા વધતી જશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 11 Sep 2026 12:00 AM (IST)Updated: Fri, 11 Sep 2026 12:00 AM (IST)
paresh-goswami-rain-forecast-4-to-8-inches-rainfall-expected-in-gujarat-big-relief-for-saurashtra

Paresh Goswami Rain Forecast: અલ નીનોની અસરના કારણે આ વર્ષે સિઝનના સરેરાશ 75 ટકા વરસાદ સાથે ચોમાસું નબળું રહ્યું છે. ચોમાસાની સિઝનના 3 માસ પુરા થવા આવ્યા છતા હજુ સુધી અરબી સમુદ્રમાં એક પણ વરસાદી સિસ્ટમ રચાઈ નથી. જેના કારણે છેલ્લા સવાથી દોઢ મહિનાથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે.

જો કે ગઈકાલથી સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં હળવા ઝાપટા જરૂર વરસી રહ્યા છે, ત્યારે લાંબા વિરામ બાદ ફરી એકવાર મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે.

વરસાદી સિસ્ટમ ફંટાયા વિના સીધી ગુજરાત ઉપરથી પસાર થશે

આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમનો ટ્રેક ફાઈનલ થઈ ગયો છે. જે ક્યાંય ફંટાયા વિના સીધી ગુજરાત ઉપરથી પસાર થવાની છે. જેના પરિણામે આગામી 12 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના લગભગ 70 થી 80 ટકા ભાગોમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ આવશે.


સરહદી જિલ્લાઓમાંથી શરૂઆત થયા બાદ વરસાદનો વિસ્તાર વધશે

આ વરસાદી સિસ્ટમ 12 સપ્ટેમ્બરના રોજ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સરહદને અડીને આવેલા જિલ્લાઓ પરથી ગુજરાતમાં પ્રવેશ કરશે. જેમાં શરૂઆતમાં દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, મહીસાગર, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગ જેવા પૂર્વ અને દક્ષિણ પૂર્વના પટ્ટાઓમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. જે બાદ 13,14 અને 15 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન આ વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ સુધી વિસ્તર શે.


2 થી 8 ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે

વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 12 સપ્ટેમ્બરથી શરૂ થતાં રાઉન્ડમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 2 થી 4 ઈંચ તેમજ રાજ્યના 40 થી 50 ટકા ભાગોમાં 4 થી 8 ઈંચ સુધીનો ભારે વરસાદ પડવાની સંભાવના છે.

ખાસ કરીને અત્યાર સુધી કોરા રહેલા અને વરસાદની આશા છોડી ચૂકેલા પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા અને પોરબંદર માટે આ રાઉન્ડમાં સારા સમાચાર છે. જ્યારે જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લાને પણ આ રાઉન્ડમાં સારો વરસાદી લાભ મળશે.

જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, આણંદ, ખેડા, નડિયાદ, ભરૂચ, વડોદરા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જેવા જિલ્લાઓમાં સારા વરસાદની શક્યતા છે. જો કે રાજસ્થાન સરહદ નજીકના બનાસકાંઠાના વિસ્તારોમાં થોડો ઓછો વરસાદ રહી શકે છે.

આજે 7 જિલ્લામાં વરસાદ નોંધાયો, અમરેલીના લિલિયામાં 1 ઈંચથી વધુ ઝાપટું

જો છેલ્લા બે દિવસના વરસાદની વિગતો જોઈએ તો, ગઈકાલે ભાવનગર જિલ્લાના જેસર, જામનગરના ધ્રોલ-જોડિયા, અમરેલી, દરિયાઈ કાંઠાના મહુવા, તળાજા અને રાજુલા વિસ્તારમાં હળવા-સામાન્ય વરસાદી ઝાપટાં અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી નોંધાઈ હતી.

જ્યારે આજે 7 જિલ્લાના 11 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી અમરેલીના લિલિયા તાલુકામાં સૌથી વધુ 26 મી.મી (1.02 ઈંચ) જેટલો વરસાદ પડ્યો છે. ખાસ વાત એ છે કે, આખો દિવસો વાદળછાયા વાતાવરણ બાદ સાંજે 6 થી 8ના બે કલાકના સમયગાળામાં જ 1 ઈંચથી વધુ વરસાદનું ઝાપટું પડ્યું છે.

આ સિવાય દ્વારકાના કલ્યાણપુરમાં 8 મી.મી, ભાણવડમાં 6 મી.મી તેમજ રાજકોટના ઉપલેટામાં 7 મી.મી વરસાદ નોંધાયો છે. જો કે હવે 12 સપ્ટેમ્બરથી આવનારો રાઉન્ડ ખૂબ મજબૂત અને વ્યાપક રહેશે.