Ahmedabad: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ હસ્તકની મ્યુનિસિપલ શાળાઓના વિદ્યાર્થીઓને હવે ગુણવત્તાયુક્ત ટેકનોલોજી શિક્ષણની સાથે સંગીત ક્ષેત્રે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ મળશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત બાળકોનો સર્વાંગી વિકાસ, JOYFUL LEARNING અને LEARNING WITHOUT BURDEN ના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મ્યુનિનિસિપલ કમિશનર બંછાનીધી પાનીના માર્ગદર્શન હેઠળ આજરોજ Yamaha Music India Private Limited, Japan અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ વચ્ચે ઐતિહાસિક MOU કરવામાં આવ્યા.
પાયલોટ પ્રોજેક્ટ: 24 શાળા, 1692 વિદ્યાર્થીઓ
આ MOU અંતર્ગત પાયલોટ પ્રોજેકટ તરીકે વર્ષ 2026-27 થી 2027-28 ના બે વર્ષ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની 24 શાળાના ધોરણ-5 ના 1692 વિદ્યાર્થીઓને સંગીતની ખાસ તાલીમનો લાભ મળશે.
આ માટે પ્રથમ તબક્કામાં 24 શાળાના 48 શિક્ષકોને Yamaha Music India Private Limited, Japanના તજજ્ઞો દ્વારા જૂલાઇ-2026 માસમાં વિશેષ તાલીમ આપવામાં આવશે.
દરેક વિદ્યાર્થીને રેકોર્ડર અને બુક-સેટ..
તાલીમ બાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની 24 શાળાના ધોરણ-5 ના પ્રત્યેક 1692 વિદ્યાર્થીઓને 1 રેકોર્ડર તથા સંગીતની બુકનો સેટ નિ:શુલ્ક આપવામાં આવશે. આ ઉપરાંત તમામ 24 મ્યુનિ. શાળાઓમાં શાળા દીઠ 1 કી-બોર્ડ પણ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીઓના સમયપત્રકમાં દરેક સપ્તાહમાં સંગીત માટે ખાસ તાસ ફાળવીને તેમાં સંગીતના વિવિધ કૌશલ્યો વિકસાવવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય કારકિર્દીની તક ..
આ પહેલનો મુખ્ય હેતુ AMC સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ પોતાની રસ અને રૂચિ અનુસાર સંગીતમાં પણ કારર્કિદી બનાવી શકે તે માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનો તાલીમ અનુભવ પૂરો પાડવાનો છે. બે વર્ષના પાયલોટ પ્રોજેકટને અંતે તેની સમીક્ષા કરવામાં આવશે અને સફળતાના આધારે બાકીની શાળાઓ માટે પણ આ કાર્યક્રમનું વિસ્તરણ કરવા વિચારણા હાથ ધરાશે.
યામાહા MD દ્વારા ગુજરાતની પ્રશંસા
આ પ્રસંગે યામાહા મ્યુઝિક ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના એમ.ડી. Kennei Sakai એ ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણમાં બાળકોના Holistic Development અને Skill Development માટે કરેલા પ્રયાસોની સરાહના કરી. તેમણે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે થતી કામગીરીની વિસ્તૃત જાણકારી મેળવી અને આ નવતર પહેલ માટે ખાસ પ્રશંસા વ્યકત કરી.
આ આંતરરાષ્ટ્રીય કરારથી અમદાવાદની મ્યુનિ. શાળાઓના બાળકોને વૈશ્વિક સ્તરનું સંગીત શિક્ષણ મળશે અને તેઓ ભવિષ્યમાં સંગીત ક્ષેત્રે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરનું નામ રોશન કરશે.
