Surat: શહેરના સિંગણપોર વિસ્તારમાં આવેલી પટેલ ડેરી એન્ડ પ્રોવિઝન સ્ટોરમાંથી વર્ષ 2011માં શંકાસ્પદ 7 કિલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં સેમ્પલ ફેઈલ થયા હતા. આ કેસમાં કોર્ટે ડેરીના સંચાલકને 1 વર્ષની કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો છે.
2011માં ફૂડ ઈન્સ્પેક્ટરે દરોડો પાડી 7 કિલો ડુપ્લિકેટ ઘી જપ્ત કર્યું હતુ
વર્ષ 2011માં કતારગામ પોલીસની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમે સિંગણપોરમાં આવેલી પટેલ ડેરી એન્ડ પ્રોવિઝનમાં રેડ કરી હતી. જ્યાંથી 7 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો.
રિપોર્ટમાં ઘીમાં જે પ્રમાણે માત્રા હોવી જોઈતી હતી તેના કરતા ખુબ જ ઓછી માત્રા હતી અને વનસ્પતિ ઘીની હાજરી પણ જોવા મળી હતી. આ ભેળસેળ ઘી બાબતે ડેરીના સંચાલક અરવિંદભાઈ વાલજીભાઈ તાળા સામે કેસ કરવામાં આવ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને 1 વર્ષની કેદ અને 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
કોર્ટે બંને પક્ષની દલીલો બાદ ચુકાદો જાહેર કર્યો હતો કે, હાલના સમયમાં આવા ભેળસેળના ગુનાનું પ્રમાણ વધતું જાય છે. આરોપી સામે પુરવાર થયેલી હકકીતો અને તેની ગંભીરતાને ધ્યાને રાખીને આરોપીને 1 વર્ષની કેદની સજા કરવી યોગ્ય જણાશે તેમ ટાંકીને 1 વર્ષની કેદ અને 10 હજારનો દંડ કરતો હુકમ કર્યો હતો
ફૂડ સેફટી ઓફિસર સમીપસિંહ દેસાઈએ જણાવ્યું કે, સુરત શહેરની જનતાના આરોગ્ય બાબતની ધ્યાનમાં લઈને ફૂડ વિભાગ સુરત શહેરની અંદર ખાદ્ય પદાર્થ વહેચતી વિવિધ સંસ્થાઓના સમયાંતરે મુલાકાત લેવામાં આવે છે અને ત્યાંથી નમુના લઈને પુથ્થકરણ માટે મોકલવામાં આવે છે. જો લેબોરેટરીમાંથી રિપોર્ટ ધારા ધોરણ મુજબનો ન આવે તો તેની ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવે છે.
વર્ષ ૨૦૧૧માં ફૂડ સેફટી ઓફિર બી.આર. બ્રહ્મભટ્ટએ કતારગામ રોડ પર આવેલી પટેલ ડેરી એન્ડ પ્રોવિઝન સ્ટોરની મુલાકાત લઈને ઘીનો નમુનો લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પુથ્થકરણ માટે મોકલવામાં આવ્યો હતો
લેબોરેટરીએ એના રીપોર્ટમાં જણાવ્યું કે, આ ઘીની અંદર વનસ્પતિ તેલની માત્રા વધારે છે જેથી આ નમુના ધોરા ધોરણ મુજબનો નથી તેમ પુથ્થકરણ અહેવાલ આપ્યો હતો જેથી ફૂડ સેફટી ઓફિર બી.આર.બ્રહ્મભટ્ટએ 2011માં કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો તે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને 1 વર્ષની કેદની સજા અને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
