PM Modi Save Fuel Appeal: મીડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવના પગલે સમગ્ર દેશમાં ઈંધણના જથ્થાને અસર થઈ રહી છે. જેના પગલે વડાપ્રધાન મોદી દ્વારા પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવા માટે દેશવાસીઓને અપીલ કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક પરીપત્ર જારી કરવામાં આવ્યો છે.
જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને પેટ્રોલ-ડીઝલ જેવી રાષ્ટ્રીય સંપત્તિનો ન્યુનત્તમ ઉપયોગ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
આ પણ વાંચો
કાર પુલિંગ કરવા તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો
મ્યુનિસિપલ કમિશનરના પરીપત્રમાં જણાવ્યા પ્રમાણે, જે કર્મચારીઓ એક જ મ્યુનિસિપલ ઑફિસના કમ્પાઉન્ડ અથવા નજીકની ઑફિસમાં ફરજ બજાવતા હોય, તો તેમણે ઑફિસ જવા-આવવા માટે કાર પુલિંગ કરીને આવવાનું રહેશે.
આવી જ રીતે જો કોઈ કર્મચારી ઘરેથી ઑફિસ અવર-જવર માટે ટુ વ્હીલરનો ઉપયોગ કરતાં હોય, તો તેમણે પોતાના રહેઠાણની નજીક રહેતા કર્મચારીઓ સાથે શેરિંગ કરીને આવવા-જવા માટે વ્યવસ્થા ગોઠવવી પડશે.
અત્યારે અમદાવાદમાં AMTS અને BRTSની કુલ 1350 બસો કાર્યરત છે. તેમજ આગામી સમયમાં વધુ 1405 બસો નવી મૂકવામાં આવનાર છે. આથી કર્મચારીઓને AMTS-BRTS અને મેટ્રો જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહત્તમ ઉપયોગ કરવાનું જણાવવામાં આવ્યું છે.
AMCનો પેટ્રોલ-ડીઝલ પાછળ વર્ષે 16.53 કરોડથી વધુનો ખર્ચ
તાજેતરમાં જ સામે આવેલા રિપોર્ટ પ્રમાણે, જમાલપુર એસ.ટી. ડેપો નજીક આવેલા AMCના સેન્ટ્રલ વર્કશૉપમાંથી કોર્પોરેશનના વિવિધ વિભાગોના વાહનો માટે ઈંધણ ભરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી કોર્પોરેશન દ્વારા CNG આધારિત તેમજ ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધાર્યો છે. આમ છતાં વર્ષે 36 હજાર લીટર પેટ્રોલ અને 1.80 લાખ લીટર ડીઝલનો વપરાસ થતો હોવાનો અંદાજ છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) દ્વારા AMCને પેટ્રોલ 92 અને ડીઝલ 90 રૂપિયે પ્રતિ લીટરના દરે સપ્લાય કરવામાં આવે છે. આ આંકડાની ગણતરી કરીએ તો, AMC વર્ષે પેટ્રોલ પાછળ 33.12 લાખ અને ડીઝલ પાછળ 16.20 લાખ મળીને કુલ 16.53 કરોડ રૂપિયા ખર્ચ કરે છે.
