રાજકોટ રિંગ રોડ પર બિલ્ડરે પુરપાટ કાર હંકારી બે સ્કૂટર અને 3 કારને ઉલાળી, ઉશ્કેરાયેલા ટોળાએ મારીમારીને અધમુઓ કરી નાંખ્યો

અકસ્માત એટલો ભયાનક હતો કે, વૉલ્વો કારનો ભુક્કો બોલી ગયો હતો. ક્રેઈનની મદદથી અકસ્માત ગ્રસ્ત વાહનોને ખસેડવા પડ્યા. બિલ્ડરને ટોળા પાસેથી છોડાવવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 13 May 2026 08:19 PM (IST)Updated: Wed, 13 May 2026 08:19 PM (IST)
rajkot-news-builder-skoda-hits-2-scooter-and-3-cars-on-ring-road-3-injured
HIGHLIGHTS
  • અકસ્માત સર્જનાર કારનું ટાયર નીકળી દૂર ફંગોળાઇ ગયું, મહિલા સહિત 5ને ઈજા
  • એઈમ્સ હોસ્પિટલમાં નોકરીની પૂછતાછ કરવા જતી મહિલાનું સ્કૂટર સ્લીપ થઈ જતા મોત

Rajkot: રાજકોટ શહેરના નાનામવા સર્કલ નજીક આજે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. મહાપૂજા ધામ ચોક પાસે એક બેફામ ગતિએ આવતી લક્ઝુરિયસ વોલ્વો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી ડિવાઈડર સાથે અથડાઈ હતી.

આ અથડામણ એટલી પ્રચંડ હતી કે, કાર ડિવાઈડર તોડીને સીધી BRTS રૂટમાં ખાબકી હતી. આ દરમિયાન માર્ગ પર પસાર થઈ રહેલી ત્રણ કાર અને બે બાઈકને વોલ્વો કારે અડફેટે લેતા અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં એક મહિલા સહિત કુલ પાંચ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

અકસ્માત સર્જનાર વોલ્વો કારની ગતિ એટલી વધારે હતી કે, અકસ્માતને પગલે કારનો આગળનો ભાગ સાવ કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારનું એક ટાયર પણ નીકળીને દૂર ફંગોળાઈ ગયું હતું. BRTS રૂટમાં અંદાજે 200 મીટરના વિસ્તારમાં ભારે નુકસાન થયું હતું.

અકસ્માતને પગલે આસપાસના લોકો તુરંત દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં શાપર ખાતે કારખાનું ધરાવતા આશિષ નટુભાઈ સોલંકીનો પણ સમાવેશ થાય છે, જેઓ પોતાની એક્સયુવી કારમાં જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા.

આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અકસ્માત સર્જનાર વોલ્વો કારના ચાલકની ઓળખ ધવલ મહેશભાઈ પીપળીયા (પટેલ) (ઉંમર 35 વર્ષ) તરીકે થઈ છે. ધવલ નાનામવા રોડ પર આવેલી રાજ રેસિડેન્સીમાં રહે છે અને બાંધકામ ક્ષેત્રે વ્યવસાય કરે છે.

naidunia_image

અકસ્માત સર્જાયા બાદ ત્યાં હાજર આશરે 50 જેટલા લોકોના ટોળાએ રોષે ભરાઈને ચાલક ધવલને પકડી પાડ્યો હતો અને તેને સ્થળ પર જ મેથીપાક ચખાડ્યો હતો. જોકે, ઘટનાની જાણ થતા જ માલવિયા નગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને ચાલકને ટોળા પાસેથી છોડાવવા માટે પોલીસે હળવો બળપ્રયોગ કરવો પડયો હતો.

અકસ્માતને કારણે નાનામવા રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.પોલીસે ઘટના સ્થળે પહોંચી ક્રેઈન મારફતે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો. હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને ચાલક નશાની હાલતમાં હતો કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

ચાલક નશાની હાલતમાં હતો કે કેમ? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી

આ ગંભીર અકસ્માતમાં વોલ્વો કારનો જે રીતે ભુક્કો બોલી ગયો હતો તે જોતા અકસ્માતની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે. બીઆરટીએસ ટ્રેક અને જાહેર મિલકતને થયેલું નુકસાન મોટું છે.

naidunia_image

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચાલક ધવલ પીપળીયા બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તે પ્રતિષ્ઠિત વિસ્તારમાં રહે છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા આશિષભાઈ સોલંકી સહિતના અન્ય લોકોની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા હાલ ચાલક નશાની હાલતમાં છે કે કેમ?એ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

એઈમ્સ હોસ્પિટલમાં નોકરીની પૂછતાછ કરવા જતી મહિલાનું સ્કૂટર સ્લીપ થઈ જતા મોત

પરા પીપળીયા વિસ્તારમાં રહેતી મિતલબેન કશ્યપ (39) પરિણીતા ગત તા.9ના રોજ સવારના દસેક વાગ્યાના અરસામાં પરા પીપળીયાથી એઇમ્સ હોસ્પિટલ જવાના રસ્તે પોતાનું સ્કૂટર લઈને જઈ રહી હતી, ત્યારે સ્કૂટર સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી મિતલબેન કશ્યપને તાત્કાલિક સારવાર માટે એઇમ્સ બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મિતલબેન કશ્યપનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં મિતલને છેલ્લા સાત વર્ષથી રાણાવાવના વાસજાળીયા ગામના નિલેશ ચૌહાણ સાથે પ્રેમ સંબંધ છે અને છેલ્લા દોઢ માસથી પરા પીપળીયા ખાતે પ્રેમીસાથે રહેતી હતી. મિતલબેન કશ્યપ પોતાનું સ્કૂટર લઈ એઇમ્સ હોસ્પિટલ ખાતે નોકરીની પૂછપરછ કરવા જતી હતી ત્યારે સાથે જઇ રહેલા હીરાભાઈ (ઉ.વ.50)ના બાઈકનું હેન્ડલ મિતલબેનના સ્કૂટરના હેન્ડલ સાથે અથડાતા સ્કૂટર અને બાઈક સ્લીપ થયા હતા.

જેમાં મિતલબેન, હીરાભાઈ, નિલેશ ચૌહાણના માસીના દીકરા પકો સંજયભાઈ બારૈયા અને એક દસ વર્ષના બાળકને ઇજા પહોંચી હતી જેમાં ગંભીર રીતે ઘવાયેલા મિતલબેન કશ્યપનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.