Rajkot Municipal Corporation Demolition Drive: રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં વિકાસને રૂંધતા ગેરકાયદેસર બાંધકામ અને દબાણ વિરુદ્ધ ઝુંબેશ ચાલી રહી છે. આ કડીમાં રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગે આક્રમક વલણ અપનાવીને ભીમનગર ચોક નજીક આવેલા TP રોડ પર ખડકાયેલા દબાણોનો સફાયો કર્યો છે.
ભીમનગરમાં મનપાનું મેગા ડિમોલિશન
રાજકોટ શહેરના ભીમનગર નજીક આવેલા 200 મીટરના ટાઉન પ્લાનિંગ (TP) રોડ પર લાંબા સમયથી કાચા-પાકા બાંધકામ અને દબાણ ખડકાયેલા હતા. જેના કારણે રસ્તો સાંકડો થઈ ગયો હતો, અને વાહનચાલકોને ભારે હાલાકી પડતી હતી. મ્યુનિ. કમિશનર કડક આદેશને પગલે ટાઉન પ્લાનિંગ વિભાગ, વિજીલન્સ શાખા અને ફાયર વિભાગની ટીમોએ કાર્યવાહી હાથ ધરી છે.
33 ગેરકાયદે એકમો પર ફર્યું બુલડોઝર
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવીએ TP રોડ પરના 33 જેટલા ગેરકાયદે રહેણાંક અને વ્યાવસાયિક એકમોને તોડી પાડ્યા છે. ખાસ કરીને અહીં કેટલાક દબાણમાં ખુલ્લેઆમ નોનવેજનું વેચાણ થતું હતું, જેનાથી સ્થાનિકોમાં નારાજગી હતી. પરંતુ મહાનગરપાલિકા તંત્રએ આ તમામ બાંધકામ દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો છે.
નાના અને મોટા મૌવા વિસ્તારને ફાયદો
આ કાર્યવાહી અંગે TPO આર. ડી. પરમારે જણાવ્યું કે, આગામી સમયમાં આ 200 મીટરના રોડને વધુ પહોળો અને આધુનિક બનાવવાની યોજના છે. આ રોડ ખુલ્લો થવાથી માત્ર ભીમનગર જ નહીં, પરંતુ નાનામૌવા અને મોટા મૌવા વિસ્તારમાં વસતા હજારો નાગરિકોને સીધો ફાયદો થશે અને ટ્રાફિકના ભારે ભારણમાંથી રાહત મળશે.
આ પણ વાંચો: Rajkot:45 ડિગ્રી ગરમીમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભઠ્ઠાશેક, આધુનિક હોસ્પિટલમાં પંખાનો અભાવ
મનપા તંત્રની ઝીરો ટોલરન્સની નીતિ
સરકારી જમીન અને TP રોડ પર થયેલા દબાણોને કારણે શહેરના વિકાસમાં અવરોધ આવતો હોવાથી તંત્રએ હવે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. ભીમનગરમાં થયેલી કડક કામગીરીને પગલે અન્ય દબાણકર્તાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ડિમોલિશન ડ્રાઈવ ચાલુ રાખવાના સ્પષ્ટ સંકેત તંત્રએ આપ્યા છે.
