LIVE BLOG

Gujarat News Today Live: GLS કોલેજ બહાર આતંક મચાવનાર આરોપીની ધરપકડ; પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 12 May 2026 06:05 AM (IST)Updated: Tue 12 May 2026 05:05 PM (IST)
gujarat-latest-and-breaking-news-live-today-12-may-2026-weather-updates-top-headlines-and-taaja-samachar-in-gujarati-lb

Gujarat News Today Live 12 May, 2026 : અમદાવાદની GLS કોલેજની બહાર ભયનું વાતાવરણ ઊભું કરનાર મુખ્ય આરોપી આદિત્ય રાઠોડની ઝોન-1 ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તપાસ પ્રક્રિયાના ભાગરૂપે, પોલીસની વિશેષ ટીમ દ્વારા આરોપીને ઘટનાસ્થળે લાવીને સમગ્ર ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન શૈક્ષણિક સંકુલમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.

12 May 2026, 05:05 PMNEET પરીક્ષા રદ્દ કરવાના નિર્ણય પર આરોગ્ય મંત્રીનું નિવેદન
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે NEET પરીક્ષામાં ગેરરીતિની ગંભીરતા અને તપાસમાં બહાર આવેલી કપરી સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી લાયક ઉમેદવારોના સ્થાને અયોગ્ય વ્યક્તિઓ તબીબી બેઠકો મેળવી ન શકે. પ્રશ્નપત્ર લીક કરવાના કૃત્યને જઘન્ય અપરાધ ગણાવતા તેમણે પુષ્ટિ કરી હતી કે આ સમગ્ર મામલાની તપાસ CBI દ્વારા કરવામાં આવશે જેથી પરીક્ષાર્થીઓના વિશ્વાસ સાથે રમત કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ શકે. આ અનિવાર્ય નિર્ણયથી વિદ્યાર્થીઓને પડનારી માનસિક તકલીફ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મંત્રીએ ખાતરી આપી હતી કે સરકાર સંપૂર્ણપણે વિદ્યાર્થીઓની સાથે છે.
12 May 2026, 04:44 PMઆરોગ્ય મંત્રીએ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે નર્સિંગ સેવાઓની સરાહના કરી
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નર્સિંગ ક્ષેત્રની માનવીય સેવાઓને બિરદાવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે કોઈપણ આપત્તિના સમયે નર્સો પોતાની નિષ્ઠા અને આત્મીયતા દ્વારા દર્દીઓને હૂંફ આપી પીડામુક્ત કરવામાં પાયાની ભૂમિકા ભજવે છે. ભાષા અને ધર્મની સીમાઓથી પર રહીને અપાતી આ અનન્ય સેવાને લોકો હૃદયપૂર્વક સ્વીકારીને સન્માન આપે તેવું આહવાન પણ તેમણે આ તકે કર્યું હતું.
12 May 2026, 04:27 PMGLS કોલેજ બહાર આતંક મચાવનાર આરોપીની ધરપકડ
અમદાવાદની GLS કોલેજની બહાર ભયનું વાતાવરણ ઊભું કરનાર મુખ્ય આરોપી આદિત્ય રાઠોડની ઝોન-1 ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તપાસ પ્રક્રિયાના ભાગરૂપે, પોલીસની વિશેષ ટીમ દ્વારા આરોપીને ઘટનાસ્થળે લાવીને સમગ્ર ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન શૈક્ષણિક સંકુલમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.
12 May 2026, 04:27 PMગુજરાતમાં વર્ષ 2027થી બે તબક્કામાં વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે
ગુજરાતમાં વર્ષ 2027થી બે તબક્કામાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કા હેઠળ 1 થી 30 જૂન દરમિયાન મકાનોની યાદી અને આવાસની સુવિધાઓ અંગેની વિગતો એકત્રિત કરાશે. આ પ્રક્રિયામાં ઇન્ટરનેટ, સ્માર્ટફોન અને અન્ય પાયાની સુવિધાઓ સંબંધિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં નાગરિકો પાસે ઓનલાઇન સેલ્ફ-એન્યુમેરેશન (સ્વ-ગણતરી) કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. વસ્તી ગણતરીના બીજા તબક્કાનો પ્રારંભ ફેબ્રુઆરી 2027થી થશે, જેમાં નાગરિકોની વ્યક્તિગત માહિતીની સઘન નોંધણી કરવામાં આવશે.
12 May 2026, 12:11 PM સુરતના કાકરાપાર ડેમમાં ડૂબી ચારના મોત
સુરત જિલ્લાના માંડવી સ્થિત કાકરાપાર ડેમમાં ગઈકાલે મોડી સાંજે એક મિત્રને ડૂબતો બચાવવા જતાં અન્ય ત્રણ સહિત કુલ ચાર યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ માંડવી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, જેમણે સઘન શોધખોળ બાદ નદીમાંથી ચારેય યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. હાલમાં સ્થાનિક પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને ઘટનાના ચોક્કસ કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
12 May 2026, 10:27 AMઅરવલ્લીના મોડાસામા મંદિર ડિમોલિશનનો વિરોધ
અરવલ્લીના મોડાસામાં રોકડીયા હનુમાન મંદિર ખાતે ડિમોલિશન સામે લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મોડી રાત્રે ધાર્મિક સંગઠનોના ટોળા એક્ઠા થયા હતા. બનાવની જાણ થતાં મોડાસા ટાઉન પોલીસનો કાફલો પહોંચ્યો હતો. પોલસસે ટોળાને સમજાવી વિખેર્યં હતું. સમગ્ર મામલે અરવલ્લીના ડીવાયએસપીએ જણાવ્યા અનુસાર, લોકોએ પોતપોતાની રીતે દબાણ હટાવવાનું શરૂ કર્યું છે. શાંતિપૂર્ણ માહોલમાં કાર્યવાહી પૂર્ણ થશે.
12 May 2026, 08:32 AMસુરત: 1.47 કરોડ પડાવનાર આરોપીની ધરપકડ
સુરત સાયબર ક્રાઇમ પોલીસે એક મોટી સફળતા મેળવતા, શહેરના એક સિનિયર સીટીઝનને સતત 28 દિવસ સુધી 'ડિજિટલ એરેસ્ટ'માં રાખી તેમની પાસેથી 1.47 કરોડ રૂપિયા પડાવવાના ગંભીર ગુનામાં ઊર્જિત કવિ નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આ કિસ્સામાં છેતરપિંડી કરનારાઓએ વૃદ્ધને કાયદાકીય ગુંચવણો અને ધરપકડનો ડર બતાવી ઓનલાઇન નજરકેદ રાખ્યા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આ નેટવર્કનો પર્દાફાશ કરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને આ આંતરરાજ્ય ગેંગના અન્ય સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.
12 May 2026, 06:05 AMઅમદાવાદના આ વિસ્તારોમાં ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી સપ્લાય અપાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા 12 મે, 2026ના રોજ પ્રહલાદનગર વિસ્તારમાં 800 મી.મી. વ્યાસની મુખ્ય પાણીની પાઈપલાઈનમાં લીકેજ રીપેરીંગની કામગીરી હાથ ધરાશે. જાસપુર પ્લાન્ટની આ લાઈનમાં પેન્ટાલૂન્સ પાસે થયેલા ભંગાણના સમારકામ માટે સવારના સપ્લાય બાદ કામગીરી શરૂ કરવામાં આવશે. આ સમારકામને પગલે જોધપુર વોર્ડના પ્રહલાદનગર, શ્રદ્ધા, પ્રમુખ અને સારાભાઈ વિસ્તારો તેમજ વેજલપુર વોર્ડના ગામતળ, શૈવાલી, સાલપરા અને દેવાસ વોટર ડિસ્ટ્રીબ્યુશન હેઠળના વિસ્તારોમાં પાણી પુરવઠો પ્રભાવિત થશે. તંત્રએ સવારના સપ્લાય બાદ મર્યાદિત જથ્થો મળવાની શક્યતાને પગલે નાગરિકોને અગાઉથી પાણીનો સંગ્રહ કરી લેવા સૂચના આપી છે. કામગીરી પૂર્ણ થયા બાદ પુરવઠો યથાવત કરાશે.