Rajkot Development News: રાજકોટ શહેરમાં વધતા જતા ટ્રાફિક અને જળભરાવની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા 150 ફૂટ રિંગ રોડના નવીનીકરણનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ 100 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થવાનો અંદાજ છે.
રિંગ રોડ પર શા માટે સર્જાઈ ટ્રાફિકની સમસ્યા?
લગભગ 15 વર્ષ પહેલાં 2009-10 માં વિકસાવવામાં આવેલ આ 10.7 કિલોમીટર લાંબો રિંગ રોડ શરૂઆતમાં શહેરની બહારના ભાગમાં હતો. આ માર્ગ ભારે વાહનો, બસો અને ટ્રકો માટે બાયપાસ રૂટ તરીકે પણ કાર્યરત છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં થયેલા ઝડપી શહેરીકરણના કારણે આ રોડ શહેરના સૌથી વ્યસ્ત કોરિડોરમાં ફેરવાઈ ગયો, જ્યાં દિવસ-રાત ભારે ટ્રાફિક રહે છે.
કેવી રીતે થશે નવીનીકરણ અને શું ફેરફાર થશે?
હાલમાં રિંગ રોડ પર આવેલ પહોળો BRTS કોરિડોર અન્ય વાહનો માટેની જગ્યા ઘટાડી રહ્યો છે. નવી ડિઝાઇન મુજબ, વાહન વ્યવહારને વધુ સરળ બનાવવા માટે BRTS ટ્રેકની પહોળાઈ ઘટાડવામાં આવશે અને બિનઉપયોગી બની ગયેલા સાયકલ ટ્રેકને દૂર કરવામાં આવશે. રાજકોટ મનપાએ માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના આ માર્ગના નવીનીકરણની દરખાસ્ત અગાઉ મંજૂર કરી છે. આ ઉપરાંત, પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ડ્રેનેજ સિસ્ટમ અને સ્ટ્રક્ચરમાં સુધારા કરવામાં આવશે.
સુરતની એક સરકારી સંસ્થાને સોંપી જવાબદારી
આ પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટ તરીકે સુરતની એક સરકારી સંસ્થાની નિમણૂક કરવામાં આવી છે. આ સંસ્થાએ ટ્રાફિકનું દબાણ, જળભરાવવાળા વિસ્તારો, સર્વિસ રોડની જરૂરિયાત અને સાયકલ ટ્રેકની ઉપયોગીતા અંગેનો સર્વે પૂર્ણ કરી લીધો છે. નોંધનીય છે કે, આ સંસ્થા અગાઉ અમદાવાદના SG હાઈવે, SP રિંગ રોડ અને સિંધુ ભવન રોડ જેવા મોટા પ્રોજેક્ટ પર કામ કરી ચૂકી છે. સર્વે અને રિડિઝાઇનની કામગીરી માટે પ્રતિ કિલોમીટર આશરે 9 લાખ રૂપિયાનો કન્સલ્ટન્સી ચાર્જ ચૂકવાશે.
આ પણ વાંચો: રાજકોટ મધ્યસ્થ જેલના સળિયા પાછળથી શૈક્ષણિક ઉડાન, ધોરણ 10-12 પરીક્ષામાં કેદીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
આ સર્વેની કામગીરી મોટાભાગે પૂર્ણ થઈ ગઈ હોવાથી, મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની નિમણૂક થયા બાદ ટૂંક સમયમાં જ નવીનીકરણ પ્રોજેક્ટ માટે ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ થવાની અપેક્ષા છે. ત્યારબાદ આ દરખાસ્ત નવી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે મુકવામાં આવશે. આ નવા પ્રોજેક્ટથી દરરોજ રોડનો ઉપયોગ કરતા લાખો મુસાફરોને સીધો ફાયદો થશે, અને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.
