Rajkot: ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલને રુ. 50ની લાંચ લેવી પડી 'મોંઘી', 10 વર્ષની સજા અને 3 લાખનો દંડ

રાજકોટમાં 2018ના લાંચ કેસમાં સ્પેશિયલ કોર્ટે 50 રૂપિયાની લાંચ લેનાર હેડ કોન્સ્ટેબલને 10 વર્ષની જેલ અને વચેટિયાને 7 વર્ષની સજાની સાથે લાખોનો દંડ ફટકાર્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 07 May 2026 01:07 PM (IST)Updated: Thu, 07 May 2026 01:07 PM (IST)
rajkot-news-traffic-head-constable-sentenced-10-years-jail-50-rupees-bribe-case

Rajkot News: રાજકોટમાં 8 વર્ષ પૂર્વે વાહન ચેક ન કરવાના અવેજ પેટે એક માસ માટે લાંચ મળી ગયાની કાર્ડ બતાવી 50 રૂપિયાની લાંચ લેતાં ટ્રાફિક શાખાનો હેડ કોન્સ્ટેબલ ઝડપાયો હતો. જે ગુનામાં હેડ કોન્સ્ટેબલને 10 વર્ષની સજા અને રૂ.3 લાખનો દંડ, ઉપરાંત પોલીસકર્મી વતી વાહનચાલકો પાસે ઉઘરાણી કરતા વચેટિયાને 7 વર્ષની સજા અને 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પોલીસકર્મી રુ.50ની લાંચ લઈ કાર્ડ આપતો

કેસની માહિતી મુજબ, રાજકોટમાં વર્ષ 2018માં વેપારી સાગરભાઈ મનસુખભાઈ પટેલે પોતાના ધંધાના માલસામાનની હેરાફેરી માટે ઓટો રીક્ષા રાખી હતી.જ્યાં ગોંડલ ચોકડીથી કુવાડવા પોલીસ ચોકી વચ્ચે ઓટો રીક્ષા પસાર થાય ત્યારે ચારેક જગ્યાએ ટ્રાફીક પોલીસના કર્મચારીઓ રીક્ષા રોકી ચેક ન કરવાના અવેજ પેટે રૂા.50 લઈ ચોક્કસ કાર્ડ આપતા હોવાની રીક્ષા ડ્રાઈવર અર્જુનભાઈએ વેપારી સાગરભાઈ પટેલને જાણ કરી હતી.

ACBના છટકામાં ફસાયો પોલીસ કર્મચારી

વેપારી સાગરભાઈ પટેલે ટ્રાફિક કર્મી વિરુદ્ધ ACBમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે ACBની ટીમે વહેલી સવારે પાંચ વાગ્યે છટકુ ગોઠવ્યું હતું. જેમાં ACB ટીમે હેડ કોન્સ્ટેબલ બીપીનભાઈ લવજીભાઈ મકવાણા વતી વાહન રોકી રૂ.50ની લાંચ લેતાં વચેટીયા દિપક કાનજીભાઈ પરમારને રંગેહાથ ઝડપી લીધો હતો. જે લાંચ કેસમાં તપાસ અધિકારી દ્વારા પૂરતો પુરાવો મળતાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.

સ્પેશિયલ કોર્ટે આરોપીઓને દંડ ફટકાર્યો

કેસ સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષના વકીલ સંજયભાઈ વોરાની દલીલો અને ઉચ્ચ અદાલતના ટાંકેલા ચુકાદાઓને આધારે, સ્પેશિયલ કોર્ટે લાંચ કેસમાં ટ્રાફીક શાખાના હેડ કોન્સ્ટેબલ બિપીન લવજીભાઈ મકવાણાને 10 વર્ષની સજા અને 03 લાખનો દંડ ફટકાર્યો,જ્યારે વચેટિયા દિપકભાઈ કાનજીભાઈ પરમારને 07 વર્ષની સજા અને રુ.02 લાખનો દંડ કરવામાં આવ્યો છે.