Rajkot Batli Gang : શહેરના રણછોડનગર અને રેલનગર વિસ્તારમાં આતંક મચાવતી કુખ્યાત ‘બાટલી ગેંગ’ વિરુદ્ધ રાજકોટ શહેર પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાની કડક સૂચના બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
10 વર્ષથી ગુનાખોરી કરતી બાટલી ગેંગ
આ ગેંગના સભ્યો છેલ્લા 10 વર્ષથી શહેરમાં સંગઠિત રીતે ગુનાખોરી કરી રહ્યા હતા. તેમની સામે ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ગેરકાયદે મંડળી રચવી, પોલીસ ઉપર હુમલા અને NDPS (નશાકારક દ્રવ્યો) ના વેચાણ સહિત કુલ 57થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ACP બસીયા, PI ગોંડલિયા અને PSI જાડેજાની ટીમે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું.
ગેંગમાં 14 સાગરીત, 11 જેલમાં-3 વોન્ટેડ
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, આ ટોળકીમાં કુલ 14 સભ્યો સામેલ છે. ગેંગનો લીડર સાવન ઉર્ફે લાલી હાલ જેલમાં છે. આ ઉપરાંત સમીર ઈસ્માઈલ શેખ, ઈશુબ આરિઝવાન દલ, મીરખાન દલ અને અસલમ શેખ સહિતના 11 સભ્યો પોલીસ કસ્ટડીમાં છે. જ્યારે અન્ય 3 ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
