Rajkot: શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં આવેલા જય એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પટકાતા મૂળ ઉપલેટાના યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. પ્રેમિકાના માતા-પિતા અચાનક ફ્લેટ પર આવી પહોંચતા ડરના કારણે યુવકે બાલ્કનીમાંથી છલાંગ લગાવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
યુવતીની અન્ય યુવક સાથે સગાઈ નક્કી થતાં અંતિમ મુલાકાત માતમમાં ફેરવાઈ
જંક્શન મેઈન રોડ પર આવેલા જય એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતી યુવતીના ફ્લેટ પર આજે સવારે 8થી 8:30 વાગ્યાની આસપાસ તેનો મિત્ર દિલીપ ગોરધનભાઈ રાઠોડ (મૂળ રહે. ભાટ ગામ, ઉપલેટા) મળવા આવ્યો હતો. દિલીપ રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો. બંને એકબીજા સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા, પરંતુ પરિવારજનો સહમત નહોતા અને યુવતીની સગાઈ અન્ય જગ્યાએ થવાની હતી. આ બાબતે વાતચીત કરવા બંને મળ્યા હતા. આ સમયે ફ્લેટમાં યુવતીની અન્ય એક બહેનપણી પણ હાજર હતી.
બંને ફ્લેટની અંદર વાતચીત કરી રહ્યા હતા, ત્યારે અચાનક યુવતીના માતા-પિતા ત્યાં આવી પહોંચ્યા હતા અને બહારથી દરવાજો ખટખટાવ્યો હતો. માતા-પિતાને જોઈને ગભરાઈ ગયેલા દિલીપે પકડાઈ જવાના ડરથી ભાગવા માટે ફ્લેટની બાલ્કનીમાંથી છલાંગ લગાવી હોવાનું મનાય છે.
ત્રીજા માળેથી નીચે પટકાતા મોટો અવાજ થયો હતો, જે સાંભળીને નજીકમાં કામ કરતા સફાઈ કામદારે સ્થાનિકો અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ના ઊખઝએ સ્થળ પર પહોંચી યુવકને મૃત જાહેર કર્યો હતો.ઘટનાની જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ બનાવ અકસ્માતે બન્યો છે, આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે દિશામાં પોલીસે યુવતી, તેની બહેનપણી અને માતા-પિતાની સઘન પૂછપરછ શરૂ કરી છે.
