Rajkot: રાજકોટ શહેરમાં કોટેચા ચોક પાસે આવેલી તપસ્વી સ્કૂલના શિક્ષિકા કમ કોરિયોગ્રાફરને ટીવી સિરીયલમાં અને સલમાન ખાનની ફિલ્મમાં કામ અપાવી દેવાના બહાને મુંબઇની ટોળકીએ કટકે-કટકે 8 લાખ રૂપિયા પડાવી ઠગાઇ કરતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધવામાં આવી છે. આ મામલે પોલીસે મોબાઇલ નંબરના આધારે ટોળકીને લોકેશન મેળવી તમામને પકડી લેવા તજવીજ શરૂ કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પંચનાથ પ્લોટમાં આવેલા રાજલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા લીનાબેન અભયભાઇ શાહ (ઉ.વ.37) નામના મહિલાએ મુંબઇના માહી ઉર્ફે શાઇન અફસર અલી, સોનમ ઉર્ફે શગુફતાબાનુ અફસર અલી, અરમાન અફસર અલી અને ભુષણકુમાર વિરૂદ્ધ વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ નોંધાવી છે.
લીનાબેને ફરીયાદમાં જણાવ્યુ કે, તેઓના પતિનું 2019માં અવસાન થયુ હતુ. તેમજ તેઓ હાલ તપસ્વી સ્કૂલ કોટેચા ખાતે શિક્ષક તરીકે 4 વર્ષથી નોકરી કરે છે. તેમજ પોતે ડાન્સ કોરિયોગ્રાફર છે અને અલગ અલગ પ્રોગ્રામમાં ડાન્સ પણ કરે છે. 2022ની સાલમાં તેમના મોબાઇલ તેમજ વોટસએપ ન્યૂઝ પેપર ગ્રુપમાં એક જાહેરાત આવી હતી. જેમાં ટીવી સિરીયલમાં સારા કલાકારો જોઇએ છે. તેમજ રસ ધરાવતા લોકોએ ચૌધરી હાઇસ્કૂલની સામેની બાજુ આવેલી નોવા હોટલ ખાતે હાજર રહેવું તેમ જણાવવામાં આવ્યું હતુ.
આથી લીનાબેન અને તેમની સાથે હિતેષભાઇ પંડયા બંને આ હોટલમાં પહોંચ્યા હતા અને ત્યા ઓડિશનમાં આવેલા આરોપી ટોળકીએ ફોર્મ ભરાવી 20,000 રૂપિયા પડાવ્યા હતા અને થોડા દિવસો પછી રાજકોટ આવીશું તેમ કહી ત્યાથી છૂટા પડયા હતા.
જે બાદ બે મહિલા સહિત ત્રણેય વ્યકિત રાજકોટ આવ્યા, ત્યારે લીનાબેને રાજેશ્રી સિનેમા પાસે આવેલી હોટલ યુરોપિયન પાસે બોલાવ્યા હતા અને ત્યા તેઓ શુટીંગમાં આવ્યા હોવાનુ જણાવ્યુ હતુ અને નવો પ્રોજેકટ ચાલુ કર્યાનુ જણાવ્યુ હતુ. તેમજ વેબ સિરીઝમાં કામ અપાવવાના બહાને બીજા 18000 રૂપિયા તેઓને આપ્યા હતા.જે બાદ માહી અને સોનમે મુંબઇ બોલાવતા, ત્યા કેમ્પસ કી દુનિયા નામની વેબ સિરીઝનુ મુંબઇના વજેશ્વરી ખાતે શુટીંગ કર્યુ હતુ, જેમાં લીનાબેનને શિક્ષક તરીકેના નાનકડો રોલ આપ્યો હતો. જે બાદ કલર્સ ચેનલમાં ભૂષણકુમાર છે તેમની સાથે સંપર્ક કરાવશુ તેમ જણાવ્યુ હતુ. તેમજ આરોપી ટોળકીએ અલગ અલગ બહાનાઓ હેઠળ લીનાબેન પાસેથી કટકે કટકે રૂપિયા 8 લાખ પડાવ્યા હતા.
છેલ્લે તેઓને સલમાન ખાનની ફિલ્મમાં રોલ અપાવી દેવાના બહાને પૈસા પડાવ્યા હતા. તેમજ એક વર્ષ થયુ છતા આ ટોળકીએ કોઇ સંપર્ક ન કરતા લીનાબેને સામેથી તેઓનો સંપર્ક કર્યો હતો, ત્યારે અરમાને શુટીંગની તારીખ આવશે તેમ કહી વાયદાઓ અને વિશ્વાસ અપાવ્યો હતો. તેમજ ટોળકીએ વિશ્વાસઘાત કર્યો હોવાનુ જાણવા મળતા તેમના વિરૂદ્ધ એ ડિવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેને પગલે પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ એમ. ડી. ડાંગી અને સ્ટાફ આ ટોળકીને પકડી પાડવા મોબાઇલ લોકેશનને આધારે તપાસ શરૂ કરી છે.