Rajkot: ભગવતીપરા મેઇન રોડ પર પરમાર એન્ટ્રારપ્રાઇઝ નામની પેઢી ખુલ્લી 4 મહીનામાં સરકાર પાસેથી 61.38 લાખની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી સરકાર સાથે છેતરપિંડી કરવાના કૌંભાડમાં રાજકોટ આર્થિક ગુના નિવારણ સેલની ટીમે પર્દાફાશ કર્યાં બાદ આ પ્રકરણમાં સતત બીજા દિવસે રાજકોટ પોલીસની ક્રાઇમ બ્રાંચ એસઓજી અને આર્થિક ગુના નિવારણ સેલની 12 ટીમે રાજ્યભરમાં દરોડા પડ્યા છે.
આ જીએસટી કૌભાંડમાં નામચીન મહેશ લાંગા સાથે ગીર સોમનાથના ધારાસભ્ય ભગાભાઇ બારડના ભત્રીજાનું નામ પણ બહાર આવ્યું છે. જેની ધરપકડ કરવા માટે રાજકોટ પોલીસની ટીમ ગીર સોમનાથ જિલ્લામાં પહોંચી છે અને ધામા નાખ્યા છે.
આ અંગે મળતી વિગતો મુજબ, રાજકોટ જીએસટી વિભાગના સુપ્રિટેન્ડન્ટ જયપ્રકાશસિંઘ રામચંદ્રસિંઘે નોંધાવેલી ફરિયાદમાં અલગ અલગ 15 કંપની ના નામ આપ્યા હતા.આ મામલે પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ આર્થિક ગુના નિવારણ સેલના ઇન્ચાર્જ પી.આઇ. એસ.એમ.જાડેજા અને તેમની ટીમે તપાસ કરતા આ મામલે હાલ જેલમાં રહેલા અને વિવાદમાં આવેલા મહેશ લાંગાનું નામ ખુલ્યું છે. જેમાં લીમડીના વિશાલ પ્રવીણ પરમાર, અમન નાસીર કારાણી, ભાડા કરાર કરાવનાર ભગવતીપરાના અમન રફીક બીનહરીશ, શીવપરા રૈયા ચોકડી પાસે રહેતા સહીદ ઉર્ફે કાળુ મજિદભાઇ શરી અને શાંતીનગરમાં રહેતા પાર્થ સતીષ પરમારની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીલ બનાવનાર અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ જીએસટી કૌભાંડની તપાસમાં જે 15 જેટલી કંપનીઓના નામ સામે આવ્યા છે. તેમાં ગીર સોમનાથ જિલ્લામાં આવેલ આર્યન એસોસિએટનું નામ પણ ખુલ્યું છે. વેરાવળના આજોઠા ખાતે આવેલ ધૃવ ટ્રાન્સપોર્ટની પાછળ આવેલ આર્યન એસોસિએટ જે ધારાસભ્ય ભગાભાઇ બારેડના ભત્રીજા વિજય કાળાભાઇ બારડની હોવાનું ખુલ્યું છે.
મહેશ લાંગાની કંપની દ્વારા આ સમગ્ર કૌભાંડ આચારવામાં આવ્યો હોય અને ખોટા બીલ અને ખોટી રજુઆતો કરી સરકારને 61.38 લાખનો નુકશાન કરવાનો આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ મામલે છેલ્લા બે દિવસ રાજકોટ પોલીસ રાજ્યભરમાં દરોડા પડી રહી છે. અને તે અંગે હજુ પણ મોટા ખુલ્સા થઇ શકે છે. આ કૌભાંડમાં સંડોવાયેલા પત્રકાર મહેશ લાંગા કે જે હાલ જેલમાં હોય તેનો જેલમાંથી કબજો મેળવવા માટે પણ તજવીજ હાથ ધરાઇ છે.