મોંઘવારીનો વધુ એક મારઃ PGVCLએ વીજ બિલમાં યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંક્યો, સૌરાષ્ટ્ર-કચ્છના વીજ ગ્રાહકો પર વધારાનો આર્થિક બોજ

PGVCL દ્વારા લાઈટ બિલમાં યુનિટ દીઠ 15 પૈસા સહિત અન્ય પાંચ સર્વિસ ચાર્જ પર 3.99 ટકાનો વધારો કર્યો છે. જેના પરિણામે સૌરાષ્ટ્ર-કચ્છના 62 લાખ વીજ ગ્રાહકો પર વધારાનો આર્થિક બોજો પડશે, જેનો રાજકોટ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 24 Nov 2026 08:21 PM (IST)Updated: Tue, 24 Nov 2026 08:21 PM (IST)
rajkot-news-pgvcl-imposed-a-hike-of-15-paise-per-unit-on-electricity-bills

Rajkot News: દિવાળીના તહેવારોમાં દૂધના ભાવમાં વધારાના કારણે મોંઘવારીનો સામનો કરી રહેલી ગુજરાતની જનતાના ખિસ્સા પર વધુ એક મોટો ભાર આવી રહ્યો છે. હકીકતમાં પશ્ચિમ ગુજરાત વીજ કોર્પોરેશન લિમિટેડ (PGVCL) દ્વારા વીજ ગ્રાહકો પર યુનિટ દીઠ 15 પૈસાનો વધારો તેમજ 5 પ્રકારના ચાર્જ પર 3.99 ટકાનો વધારો ઝીંકી દીધો છે.

હકીકતમાં PGVCL દ્વારા વીજ બિલમાં એરિયર્સ સ્વરૂપે નાણાં વસૂલવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત વીજ બિલમાં યુનિટ દીધી 15 પૈસાના વધારા ઉપરાંત ફ્યુઅલ સરચાર્જ, ડિમાન્ડ ચાર્જ, ટાઈમ ઓફ યુઝ ચાર્જ, એનર્જી ચાર્જ અને રિબેટ પેનલ્ટી સહિતના 5 પ્રકારના ચાર્જ જે અગાઉ ઝીરો હતા, તેના પર હવે 3.99 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે.

PGVCLના આ નિર્ણયની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર-કચ્છના અંદાજે 62 લાખ વીજ ગ્રાહકો પર પડશે, જેમના પર વધારાનો આર્થિક બોજો આવી પડ્યો છે. જેના પગલે વીજ ગ્રાહકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જુલાઈ પહેલાના જાન્યુઆરીના તેમજ હાલના લાઈટ બિલોની સરખામણી કરવાથી ગ્રાહકોને આ વધારાનો ખ્યાલ આવી શકે છે.

વીજ ગ્રાહકોના ખિસ્સામાંથી નાણાં ખંખેરવાની કામગીરીઃ વિપક્ષ

PGVCLના આ નિર્ણયનો રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. એક તરફ ઓછા વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં દુષ્કાળની સ્થિતિ છે. બીજી તરફ PGVCL દ્વારા વીજ ગ્રાહકોના ખિસ્સામાંથી નાણાં ખંખેરવાની કામગીરી કરીને પડ્યા પર પાટુ મારવા જેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. આવનારા સમયમાં કોંગ્રેસ વીજ ગ્રાહકોને સાથે રાખીને આ ભાવ વધારાનો વિરોધ કરશે.

નવા વર્ષના પ્રારંભે જ અમૂલ દૂધના ભાવમાં રૂ. 4 સુધીનો વધારો કરાયો

અગાઉ નવા વર્ષના પ્રારંભે જ અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 થી 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. દૂધ ઉત્પાદન અને પ્રોસેસિંગના ખર્ચમાં વધારો થવાના કારણે અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવતા મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું હતુ. એવામાં હવે વીજળીના ભાવમાં વધારો કરવામાં આવતા પહેલાથી જ મોંઘવારી વચ્ચે પિસાતા મધ્યમ વર્ગની આર્થિક સ્થિતિ વધારે કફોડી થઈ શકે છે.