National News: મહારાષ્ટ્ર સરકાર પેપર લીક (Paper Leak Law) અને પરીક્ષામાં થતી ગેરરીતિઓ અટકાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. હકીકતમાં દેવેન્દ્ર ફડણવીસ સરકાર વરિષ્ઠ IAS અધિકારી વી. રાધાની અધ્યક્ષતામાં રચાયેલી કમિટીની ભલામણો લાગુ કરવા અંગે વિચાર કરી રહી છે.
કમિટીની ભલામણ અનુસાર, પેપર લીક કરનારાઓને સાત થી 10 વર્ષ સુધી જેલની સજા અને ઓછામાં ઓછા 10 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે છે. આ સાથે જ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની સંપત્તીને જપ્ત કરવા, કેસની સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રજા કરવા તેમજ તપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવાનો પ્રસ્તાવ છે.
તપાસ માટે સ્પેશિય ટાસ્ક ફોર્સ અને ફાસ્ટ ટ્રેક કોર્ટનું સૂચન કરાયું
હકીકતમાં કમિટીએ આજે પોતાનો બીજો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે. જેમાં મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC)ની પરીક્ષાઓમાં પારદર્શિતા અને ઉમેદવારોના હિતોની સુરક્ષા માટે અનેક મહત્ત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યા છે.
જો કોઈ કારણોસર પરીક્ષા રદ્દ થાય છે, તો ઉમેદવારોને પરીક્ષાની સંપૂર્ણ ફી પરત કરવામાં આવવી જોઈએ. પરીક્ષા કેન્દ્રો પર પારદર્શિતા માટે સમિતિએ જિલ્લા અધિકારીઓને મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવાનું સૂચન કર્યું છે. આ સાથે જ પરીક્ષા કેન્દ્રોના અલગ-અલગ ડેટાબેસ તૈયાર કરવા અને વેન્યુ બેંક બનાવવાની ભલામણ કરવામાં આવી છે. જેથી પરીક્ષા કેન્દ્રીની પસંદગી, તેની વ્યવસ્થા અને મોનિટરિંગમાં એકરૂપતા લાવી શકાશે. પેપર લીક જેવી ઘટનાઓની તપાસ માટે અલગ સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
આ કમિટીએ માત્ર પરીક્ષા વ્યવસ્થામાં સુધારા પર જ નહીં, પરંતુ ભરતી પ્રક્રિયા સાથે સંકળાયેલ ઉમેદવારોની માંગો પર પણ ધ્યાન આપ્યું છે. જેમાં MPSCની ગ્રુપ સીની જોઈન્ટ એન્ટ્રેસ એક્ઝામમાં ખાલી પડેલ જગ્યાની સંખ્યા વધારીને 16 હજારથી વધુ કરવાનું સૂચન કરવામાં આવ્યુ છે.
આ ઉપરાંત તમામ ભરતી પરીક્ષામાં મહત્તમ વય મર્યાદામાં એક વર્ષની છૂટ આપવાનું સૂચન કરાયું છે. MPCCની પરીક્ષામાં કથિત ગેરરીતિઓ, પેપર લીક અને ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આરોપોને કારણે ઉમેદવારોએ અનેકવાર આંદોલન કર્યું હતુ.
પરીક્ષા પદ્ધતિને વધારે પારદર્શી બનાવવા પર ભાર
ઉમેદવારોની ફરિયાદોને ગંભીરતાથી લેતા રાજ્ય સરકાર દ્વારા 4 સપ્ટેમ્બરે વી.રાધાની અધ્યક્ષતામાં 7 સભ્યોની એક કમિટિ બનાવી હતી. જેણે આ મહિનામાં જ પોતાનો વચગાળાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. જેમાં ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શી, સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે અનેક ઉપાયો સૂચવવામાં આવ્યા છે.
દેવેન્દ્ર ફડણવીસ સરકાર કમિટીની ભલામણો પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. સરકાર આવનારા શિયાળુ સત્રમાં આ સંદર્ભે વિધાનસભામાં બિલ પસાર કરાવવાનો પ્રયાસ કરશે. જો આ ભલામણો કાયદો બની જશે, તો મહારાષ્ટ્ર ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ આચરનારા વિરુદ્ધ સૌથી કડક કાર્યવાહી કરનાર દેશનું રાજ્ય બની જશે.
