મુંબઈ: નાલાસોપારામાં 7 માળની ઈમારતમાં લિફ્ટ તૂટી પડી, 8 લોકો ગંભીર રીતે ઘાયલ

આ અકસ્માત નાલાસોપારાના પાટણકર પાર્ક સ્થિત આવેલી 'ધનંજય એવન્યુ' બિલ્ડિંગમાં બન્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 31 Oct 2026 04:13 PM (IST)Updated: Sat, 31 Oct 2026 04:13 PM (IST)
mumbai-nalasopara-dhananjay-avenue-lift-accident-8-injured

Mumbai News: મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં આવેલી એક સાત માળની ઈમારતમાં આજે શનિવારે બપોરે અચાનક લિફ્ટ તૂટી પડવાની દુર્ઘટના સામે આવી છે. આ બનાવમાં 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી છે. આ અકસ્માત નાલાસોપારાના પાટણકર પાર્ક (Patankar Park) સ્થિત આવેલી 'ધનંજય એવન્યુ' (Dhananjay Avenue) બિલ્ડિંગમાં બન્યો હતો.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, બપોરે આશરે 12:00 વાગ્યાની આસપાસ 8 લોકો લિફ્ટ મારફતે પાંચમા માળથી ગ્રાઉન્ડ ફ્લોર તરફ નીચે જઈ રહ્યા હતા, તે દરમિયાન લિફ્ટ અચાનક અત્યંત ઝડપથી નીચે તૂટી પડી હતી. લિફ્ટ તૂટી પડવાની આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 8 લોકોમાં ઈમારતમાં જ રહેતા વકીલ સતિષ ભોંડવે અને તેમની મુલાકાતે આવેલા તેમના 7 મહેમાનોનો સમાવેશ થાય છે.

લિફ્ટ તૂટી પડવાનો જોરદાર અવાજ સાંભળીને ઈમારતના અન્ય રહીશો તુરંત જ સ્થળ પર દોડી આવ્યા હતા. રહીશોએ ભારે મહેનત અને જહેમત બાદ લિફ્ટનો દરવાજો તોડીને અંદર ફસાયેલા તમામ ઘાયલોને બહાર કાઢ્યા હતા અને તત્કાલ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

આ ઘટના અંગેની જાણ થતાં જ નાલાસોપારા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરીને આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ, તમામ ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યાં હાલ તેમની હાલત સામાન્ય હોવાની માહિતી મળી છે.