Mumbai Mayor Threat Email: મુંબઈમાંથી એક અત્યંત સનસનાટીભર્યા અને ખળભળાટ મચાવનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈના મેયર ઋતુ તાવડેને મળેલા એક ધમકીભર્યા ઈ-મેલને કારણે સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઈ-મેલમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા' તેમજ સિંગર દિલજીત દોસાંજના આગામી કોન્સર્ટના સ્થળને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ઘટના બાદ મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.
મેયર અને ડેપ્યુટી મેયરને મોકલાયો ધમકીભર્યો મેલ
અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, આ ધમકીભર્યો ઈ-મેલ મુંબઈના મેયર ઋતુ તાવડેની સાથે-સાથે ડેપ્યુટી મેયર સંજય ઘાડીને પણ મોકલવામાં આવ્યો હતો. ઈ-મેલ મળતાની સાથે જ પ્રશાસન હરકતમાં આવ્યું હતું અને સુરક્ષાના ભાગરૂપે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) મુખ્યાલય સ્થિત મેયરની ઓફિસમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, ઝીણવટભરી તપાસ બાદ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો કારણ કે ત્યાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.
31 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી અનેક સ્થળો ટાર્ગેટ પર
આ ધમકીભર્યા ઈ-મેલની વિગતો અનુસાર, કથિત રીતે 31 ઓક્ટોબરના રોજ શહેરની એક શાળા પર ગ્રેનેડ હુમલો કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત, 31 ઓક્ટોબરથી 27 નવેમ્બર વચ્ચેના સમયગાળા દરમિયાન મહાનુભાવ અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત સુપ્રસિદ્ધ બંગલા 'જલસા' ને પણ નિશાન બનાવવાની ધમકી અપાઈ છે. સુરક્ષા એજન્સીઓ આ ઈ-મેલની સત્યતા તપાસી રહી છે અને તે કયા સ્થળેથી અને કોણે મોકલ્યો છે તે અંગે સાયબર સેલની મદદથી ટેકનિકલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
દિલજીત દોસાંજના કોન્સર્ટ અને 'ખાલિસ્તાન' નો ઉલ્લેખ
આ ઈ-મેલમાં 'ખાલિસ્તાન' નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મેલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આગામી 27 નવેમ્બરના રોજ મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ વિસ્તારમાં યોજાનાર સિંગર દિલજીત દોસાંજના મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન હુમલો કરવામાં આવશે. આ ખુલાસા બાદ મનોરજ્જન જગતમાં અને દર્શકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ અને એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. એહિયાતી પગલાં રૂપે મેયરની ઓફિસ, મહાલક્ષ્મી રેસકોર્સ, પ્રમુખ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ઈ-મેલમાં ઉલ્લેખ કરવામાં આવેલા તમામ સંવેદનશીલ સ્થળો પર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ પ્રશાસન દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
ઇનપુટ: PTI
