Rajkot: કોંગ્રેસ નેતાના આક્ષેપ પર PGVCLની સ્પષ્ટતા- 'બિલિંગ સિસ્ટમ સંપૂર્ણપણે પારદર્શક, ગ્રાહકો ચિંતા ના કરે'

વારંવાર પેમેન્ટ માટે ધક્કા ના ખાવા પડે, તે માટે ગ્રાહતોને 2 મહિનાનું બિલ આપવામાં આવતું હોવાથી સોફ્ટવેરમાં સ્લેબ આપોઆપ ડબલ થઈ જાય છે. PGVCLનો ઉદ્દેશ નફો કરવાનો નથી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Mar 2026 11:30 PM (IST)Updated: Thu, 05 Mar 2026 11:30 PM (IST)
rajkot-news-pgvcl-md-ketan-joshi-clarifies-viral-video-on-electricity-bill-slab-calculation
HIGHLIGHTS
  • પાલ આંબલિયાએ વીજ બિલના સ્લેબ અને યુનિટ ગણતરીનો વીડિયો વાયરલ કર્યો હતો
  • PGVCLના MD કેતન જોશીએ વીડિયોને ભ્રામક ગણાવી પુરી ગણતરી સમજાવી

Rajkot: કોંગ્રેસ નેતા પાલ આંબલીયા દ્વારા વીજ બિલના સ્લેબ અને યુનિટ ગણતરી બાબતે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલા વીડિયોના જવાબમાં PGVCLના મેનેજિંગ ડિરેક્ટર (MD) કેતન જોષીએ સ્પષ્ટ ખુલાસો કર્યો છે. તેમણે આ વીડિયોને ભ્રામક ગણાવતા બિલિંગ સિસ્ટમ સંપૂર્ણપણે પારદર્શક હોવાથી ગ્રાહકોને ચિંતા ના કરવા જણાવ્યું છે.

MD કેતન જોષીએ જણાવ્યું હતું કે, PGVCL માં બિલિંગની પ્રક્રિયા ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના નિર્ધારિત નિયમો મુજબ જ કરવામાં આવે છે. સામાન્ય ગ્રાહકોને દર બે મહિને બિલ આપવામાં આવે છે, જેથી તેમણે વારંવાર પેમેન્ટ માટે ધક્કા ન ખાવા પડે.

જ્યારે બિલ બે મહિનાનું હોય, ત્યારે સોફ્ટવેરમાં સ્લેબ આપોઆપ ડબલ થઈ જાય છે. એટલે કે, જે લાભ એક મહિનામાં મળતો હોય તે બે મહિનાના બિલમાં બમણો મળે છે. જો બિલ 60 દિવસના બદલે 70 દિવસે આવે, તો પણ ગ્રાહકને 'પ્રોપોશનેટ' (ક્રમિક) ધોરણે સ્લેબનો પૂરેપૂરો લાભ આપવામાં આવે છે.

502 યુનિટનું ઉદાહરણ આપી ગણતરી સમજાવી
ગેરસમજ દૂર કરવા માટે MD એ 502 યુનિટના બિલનું ઉદાહરણ આપતા સમજાવ્યું કે, બિલ એક મહિને આવે કે બે મહિને, ગ્રાહકે ચૂકવવાની થતી રકમમાં કોઈ જ તફાવત પડતો નથી. 6 કિલોવોટથી વધુ લોડ ધરાવતા ગ્રાહકોને જ દર મહિને બિલ મોકલવામાં આવે છે.

"PGVCLનો ઉદ્દેશ્ય નફો કરવાનો નથી, પરંતુ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજળી આપવાનો છે. સોશિયલ મીડિયાના ભ્રામક પ્રચારથી ગ્રાહકોએ દોરવાવું નહીં." - કેતન જોષી, MD, PGVCL

MD એ વિશ્વાસ સાથે જણાવ્યું કે જો કોઈ ગ્રાહકને હજુ પણ મુંઝવણ હોય, તો તેઓ પોતાના બિલ સાથે PGVCL ની કચેરીએ આવી શકે છે. અધિકારીઓ તેમની ગેરસમજ દૂર કરવા અને ગણતરી સમજાવવા હંમેશા તૈયાર છે.