રાજકોટમાં નંબર પ્લેટ વિનાના વાહનોને પેટ્રોલ આપવું ભારે પડ્યું: 8 પંપ પર કાર્યવાહી, 12 સામે કાર્યવાહી

રાજકોટમાં નંબર પ્લેટ વિનાના વાહનોમાં પેટ્રોલ પૂરવું ભારે પડ્યું. પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ 8 પેટ્રોલ પંપ પર તપાસ કરી સંચાલક અને ફિલરમેન સહિત 12 શખ્સો સામે 7 ગુના દાખલ કરાયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 24 Nov 2026 03:54 PM (IST)Updated: Tue, 24 Nov 2026 03:54 PM (IST)
rajkot-police-action-8-petrol-pumps-raided-12-booked-for-refueling-vehicles-without-number-plates

Rajkot News: રાજકોટ શહેરમાં અસામાજિક તત્વો દ્વારા નંબર પ્લેટ વિનાના વાહનોનો ગુનાખોરીમાં ઉપયોગ કરતા હોય છે. તેમની ઉપર કાયદાનો સકંજો કસવા માટે રાજકોટ પોલીસ કમિશનરે અતિ મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાં પ્રમાણે, નંબર પ્લેટ વિનાના વાહનોમાં ઈંધણ પૂરવા પર પ્રતિબંધ લગાવાયો છે. જોકે, આ નિયમનો સરેઆમ ભંગ થતો હોવાનું સામે આવતાં પોલીસે કડક પગલાં ભર્યા છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સ્થિત આંઠ પેટ્રોલ પંપ પર તપાસ હાથ ધરીને કુલ 12 શખ્સો સામે 7 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ કમિશનરના જાહેરનામાનો કડકાઈ પૂર્વક અમલ થાય તે ઉદ્દેશ્યથી રાજકોટ પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ શરુ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન નંબર પ્લેટ વગરના ટુ-વ્હીલરમાં પેટ્રોલ પૂરી આપનાર ફિલરમેન, પંપના સંચાલકો તેમજ નિયમ વિરુદ્ધ પેટ્રોલ ભરાવનાર વાહનચાલકોની ઓળખ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ 6 ફિલરમેન, પંપના મેનેજર, સંચાલક અને 5 વાહનચાલકો સહિત 12 લોકો સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે.

પેટ્રોલ પંપના કર્મીઓ અને ચાલક સામે ગુનો

કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલની સામે આવેલા સૂર્યા સેલ પેટ્રોલ પંપમાં મહિલાને નંબર પ્લેટ વગરના ટુ-વ્હીલરમાં પેટ્રોલ પૂરી આપવા બદલ પંપના મેનેજર કિશોર રાણાભાઈ ગઢવી (ઉ.વ. 48, રહે. ગંગોત્રી પાર્ક) સામે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે. જ્યારે કાલાવડ રોડ આત્મીય કોલેજની સામે ગિરિરાજ પેટ્રોલ પંપ(ઇન્ડિયન ઓઇલ)માં પેટ્રોલ પૂરી આપનાર ફિલરમેન નરેશ લખમણ સિલું(રહે.દેવપરા શેરી.05,ભારતીનગર શેરી.8) અને સ્કૂટર ચાલક ઉદય ભરતગિરી ગૌસ્વામી(રહે.મેટોડા) વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

નંબર પ્લેટ વિનાની બાઇકમાં પેટ્રોલ પૂરતા કાર્યવાહી

નાનામૌવા રોડ આરએમસી-2 પાસે આવેલા HP કંપનીના પેટ્રોલ પંપમાં નંબર પ્લેટ વગરના બાઈકમાં પેટ્રોલ પૂરી આપવા બદલ સંચાલક વિવેક ચૌધરી અને બાઈક ચાલક કાનો બહાદુરભાઈ સાડમીયા (ઉ.વ. 20, રહે. કણકોટ પાસે) સામે ગુનો દાખલ કરાયો છે. ઉપરાંત 150 ફૂટ રોડ પર શિતલ પાર્ક પાસે આવેલા ન્યારા પેટ્રોલ પંપમાં નંબર વગરના બાઈકમાં રૂ. 100નું પેટ્રોલ પૂરી આપનારા ફિલરમેન અલ્તાફ મહેબુબભાઈ શેખ (ઉ.વ. 45, રહે. બજરંગવાડી) અને બાઈક ચાલક નિશીત રજનીકાંતભાઈ મહેતા (ઉ.વ. 34, રહે. મોરબી) સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ફિલરમેન અને ચાલક સામે કડક પગલાં

કોઠારીયા મેઈન રોડ પર મારવેલ ફ્યુલ નામના IOC કંપનીના પંપમાં નંબર વગરના એક્ટીવામાં પેટ્રોલ પૂરનાર ફિલરમેન અલ્લારખા હુસેનભાઈ બ્લોચ (ઉ.વ. 55, રહે. દૂધસાગર રોડ) અને ચાલક કિરણ થોભણભાઈ મુંધવા (રહે. મચ્છોનગર) સામે ગુનો નોંધાયો છે. આ ઉપરાંત, કોઠારીયા રોડ પર જ આવેલા ભારત ઓઈલ કંપનીના પંપમાં નંબર વગરના બાઈકમાં પેટ્રોલ પૂરી આપનાર ફિલરમેન બીપીન દેવરાજભાઈ બોરીસાગર (ઉ.વ. 51, રહે. વાવડી) અને ચાલક વિપુલ સવજીભાઈ સોરઠિયા (ઉ.વ. 44, રહે. મવડી) સામે પણ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

નંબર પ્લેટ વિનાના વાહનચાલકોમાં ફફડાટ

આજી ડેમ ચોકડી પાસે આવેલા કોટેશ્વર ઓટો સેન્ટર પેટ્રોલ પંપના ફિલરમેન ભરતપ્રસાદ ભગવાનજી મિશ્રા તેમજ સરધારમાં ખારચિયા રોડ પર આવેલા BPCL કંપનીના પેટ્રોલ પંપના ફિલરમેન મહેન્દ્ર જેન્તીભાઈ જોષી સામે નંબર વગરના બાઈકમાં પેટ્રોલ પૂરી આપવા બદલ આજી ડેમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .પોલીસની આ કડક કાર્યવાહીથી નિયમોનો ભંગ કરતા પેટ્રોલ પંપ સંચાલકો અને નંબર પ્લેટ વગર વાહન ચલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.