Rajkot: રાજકોટના જામનગર રોડ પર માધાપર નજીક આવેલા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ના પ્લાન્ટમાં ટેન્ક નંબર-1માં આજે બપોરે સવા ત્રણ વાગ્યાના અરસામાં અચાનક ગેસ લીકેજ થતાં આગ લાગી હતી.
પ્લાન્ટની મેઈન્ટેનન્સ ટીમ દ્વારા આગને કાબૂમાં લેવા માટે તાત્કાલિક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આ ઘટનાને પગલે પ્લાન્ટમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
કાબૂમાં આવેલી આગ ફરીથી ભડકતાં NDRFની ટીમ પણ રેસ્ક્યુમાં જોડાઈ
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી. એક તબક્કે આગ કાબૂમાં આવી હતી, પરંતુ ફરીથી આગે વધુ ભીષણ સ્વરૂપ ધારણ કરતાં બચાવ કામગીરી વધુ પડકારજનક બની હતી.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર ફાઈટરો સાથે એન.ડી.આર.એફ.ની ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. બંને ટીમોના સંયુક્ત પ્રયાસોથી આખરે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
આ ઘટનાક્રમ દરમિયાન ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડી જરૂરી સારવાર આપવામાં આવી હતી. બીજી તરફ, આગનું મુખ્ય કારણ બનેલા ગેસ લીકેજને શોધવા માટે એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ટીમે ગેસ લીકેજનું સ્થળ શોધી કાઢ્યા બાદ IOCLના એન્જિનિયરોની ટીમે જરૂરી સમારકામ કરીને લીકેજ બંધ કરવાની કામગીરી પૂર્ણ કરી હતી.
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. આગ પર કાબૂ મેળવવા, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા અને ગેસ લીકેજ બંધ કરવા સુધીની કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાને જિલ્લા કક્ષાની મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી.
વાસ્તવિક દુર્ઘટના જેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થતાં ઉપસ્થિત સૌ કોઈના જીવ ઉચ્ચક થઈ ગયા હતા, પરંતુ કલાકથી વધુ સમયની કવાયત બાદ બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં અંતે આ માત્ર મોકડ્રીલ હોવાનું જાહેર થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, ઔદ્યોગિક એકમોમાં સંભવિત ગેસ લીકેજ, આગ કે અન્ય કટોકટીની પરિસ્થિતિમાં જાનમાલનું નુકસાન અટકાવવા તેમજ વિવિધ વિભાગોની સજ્જતા અને પરસ્પર સંકલન ચકાસવા માટે જિલ્લા કક્ષાની આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, એન.ડી.આર.એફ. અને IOCLની ટીમોએ ભાગ લઈ આપત્તિ વ્યવસ્થાપન અને બચાવ કામગીરીનું પ્રાયોગિક નિદર્શન કર્યું હતું.
