Junagadh: જૂનાગઢ જિલ્લાના કેશોદમાં એક યુવકના આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં 38 વર્ષીય યુવકે આર્થિક સંકડામણ અને માનસિક તણાવમાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પરિવારમાં સ્તબ્ધ થઈ ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, કેશોદ શહેરના મધુસુદન વિસ્તારમાં રહેતા ધવલ લશ્કરી (38) નામના યુવકે આજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. ધવલે અંતમ પગલું ભરતા લશ્કરી પરિવારમાં તેમજ વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ધવલ લશ્કરી પરિવારનો એક માત્ર આધાર હતો. તેના માતા કેન્સરથી પીડાઈ રહ્યા હોવાથી તેમની સારવાર પાછળ સતત ખર્ચો થઈ રહ્યો હતો. આટલું જ નહીં, ટૂંક સમયમાં બહેનના લગ્ન પણ લેવાના હોવાથી તેનો ખર્ચ પણ આવી રહ્યો હતો. જેથી આર્થિક સંકડામણના કારણે મૃતક ધવલ છેલ્લા છએક મહિનાથી માનસિક તણાવમાં રહેતો હતો. જેના કારણે કંટાળીને તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
