Junagadh News: જૂનાગઢ મેડિકલ કોલેજના એનેસ્થેસિયા વિભાગમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટર સોનાલી ઓડેદરાનું ડેન્ગ્યૂના લીધે શંકાસ્પદ મોત થયું છે. ડેન્ગ્યૂના ચોક્કસ સ્ટેજમાં ઓછામાં ઓછા સાત દિવસ ઓબ્ઝર્વેશનમાં રહેવાની જરૂર હોવા છતાં તેમને માત્ર બે દિવસની રજાની મંજૂરી આપવી અને ત્રીજા દિવસે ડ્યુટી કર્યા બાદ રાત્રે તબિયત અચાનક લથડવાની ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.
સવારે રિપોર્ટ નોર્મલ આવ્યો, સાંજે તબિયત કથળી
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, ડો. સોનાલી ઓડેદરાને શનિવારના રોજ ડેન્ગ્યૂ થયો હતો. જેના લીધે તેમણે સોમવાર અને મંગળવાર એમ બે દિવસ આરામ કરવા માટે રજા માંગી હતી. પરંતુ તેમને બે દિવસની રજા મંજૂર કરવામાં આવી હતી. રજા બાદ પણ સારુ ન લાગતા તેમણે બુધવારે સવારે 10.16 વાગ્યે સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યૂના રિપોર્ટ કરાવ્યા હતા. જેમાં પ્લેટ કાઉન્ટ નોર્મલ આવતા હાશકારો થયો હતો. જે બાદ તેઓ બુધવારે આખો દિવસ ડ્યુટી પર હાજર હતા. પરંતુ સાંજે અચાનક 8 વાગ્યાના અરસામાં તેઓની તબિયત લથડી ગઈ હતી.
સારવાર છતાં ડોક્ટર બચી શક્યા નહી
બુધવારે રાત્રે ડો. સોનાલી ઘરે પરત ફર્યા હતા. તેમની તબિયત વધારે લથડતાં તેમના ઓર્થોપેડિક પતિએ તેમને કલ્પ હોસ્પિટલ અને પછી રાત્રે 11 વાગ્યે કે. જે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જયાં તેઓને ખેંચ પણ આવી હતી. તેમ છતાં ડો. સોનાલીની તબિયત સતત બગડી રહી હોવાથી પરિવારજનોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ ખાતે લઈ જવાનો નિર્ણય લીધો હતો. પરંતુ જેતપુર પહોચે તે પહેલા જ તબિયત વધુ લથડતાં પરત જૂનાગઢ ખાતે લવાયા હતા અને સિવિલ ખાતે તેમનું મોત નિપજ્યું હતું.
તબીબી પ્રતિક્રિયા અને પારિવારિક સ્થિતિ
મેડિકલ પ્રોફેસર ડો. તન્વી વાણિયાના જણાવ્યા અનુસાર, ડો. સોનાલીએ બે દિવસની રજા માંગી હતી જે સોમ-મંગળ માટે મંજૂર કરાઈ હતી અને બુધવારે સારું લાગતા તેઓ ડ્યુટી પર આવ્યા હતા, પરંતુ રાત્રે તબિયત બગડતા વહેલી સવારે મોત થયું હતું. બીજી તરફ, પ્લેટ કાઉન્ટ ઝડપથી ઘટી જવાને કારણે સ્થિતિ ગંભીર બની હોવાનું તબીબી વર્તુળોમાંથી જાણવા મળે છે. ડો. સોનાલી ઓડેદરા જૂનાગઢમાં પોતાના પતિ અને ત્રણ વર્ષની બાળકી સાથે રહેતા હતા.
