ભવનાથના સાધુબાવા સુધી પહોંચાડવાનો હતો 55.92 કિલો ગાંજો! આણંદમાં રુ. 27.96 લાખનો જથ્થો ઝડપાયો

આણંદના વાસદ-આસોદર હાઈવે પર SOGએ 55.92 કિલો ગાંજો ઝડપ્યો. રૂ. 27.96 લાખના ગાંજાની ખેપમાં મહિલા સહિત બેની ધરપકડ, ભવનાથના સાધુબાવા સુધી પહોંચાડવાનો હતો જથ્થો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 26 Nov 2026 10:08 PM (IST)Updated: Thu, 26 Nov 2026 10:08 PM (IST)
anand-ganja-smuggling-bhavnath-sadhu-55-kg-ganja-seized

Anand Ganja Seizure: વાસદ-આસોદર હાઈવે પર સુંદણ ફાટક નજીક આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી એક શંકાસ્પદ કારમાંથી 55.92 કિલોગ્રામ સૂકો ગાંજો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે એક મહિલા સહિત બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે કારનો ડ્રાઈવર અંધારાનો લાભ લઈ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.

આણંદ SOGને કારમાંથી ગાંજો મળ્યો

મળેલી માહિતી અનુસાર, સુરત તરફથી વાસદ માર્ગે રાજકોટ તરફ નશીલા પદાર્થનો મોટો જથ્થો હેરાફેરી થઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી આણંદ એસઓજીને મળી હતી. જેના આધારે રાત્રિના સમયે સુંદણ ફાટક પાસે નાકાબંધી અને વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ કાર રોડની બાજુમાં ઊભી રહેતા એસઓજીની ટીમે તાત્કાલિક કારને ઘેરી લઈ તપાસ હાથ ધરી હતી.

કારમાંથી મહિલા સહિત બેની અટકાયત

કારની અંદર તપાસ કરતા પાછળની સીટ પર સવાર ગીતાબેન રણજીતભાઈ વાળા (રહે. ગોકુલનગર, રાજુલા, જિ. અમરેલી) અને આગળની સીટ પર બેઠેલા શાહીદ દાઉદભાઈ ચૌહાણ (રહે. નારી ચોકડી પાસે, ભાવનગર) મળી આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં કાર ચલાવનાર અફઝલ વોશરૂમ જવાના બહાને કારમાંથી ઉતરી નાસી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

કારમાંથી 28 સિલબંધ પેકેટ મળ્યા

કારને વાસદ પોલીસ સ્ટેશન ખાતે લાવી સઘન તપાસ કરવામાં આવી હતી. કારમાં રાખેલા ચાર અલગ-અલગ થેલામાંથી પ્લાસ્ટિક અને સેલોટેપ વડે સીલ કરેલા કુલ 28 પૈકેટ મળી આવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલા એફએસએલ અધિકારીએ પ્રાથમિક તપાસમાં આ જથ્થો વનસ્પતિજન્ય સૂકો ગાંજો હોવાનું પ્રમાણિત કર્યું હતું. આ જથ્થાનું કુલ વજન 55.920 કિલોગ્રામ થયું હતું, જેની બજાર કિંમત આશરે રૂ. 27,96,000 અંકવામાં આવી છે. આ ઉપરાંત કારમાંથી રોકડા રૂ. 3.9 લાખ પણ મળી આવ્યા હતા. પોલીસે ગાંજાનો જથ્થો, રોકડ રકમ અને કાર સહિત કુલ રૂ. 36,17,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ભવનાથના સાધુને ગાંજો પહોંચાડવાનો હતો

પોલીસ પૂછપરછમાં આરોપી ગીતાબેને ચોંકાવનારી કબૂલાત કરતા જણાવ્યું હતું કે, આ ગાંજાનો જથ્થો તેઓ સુરતના રાજુભાઈ નામના શખ્સના માણસ પાસેથી મેળવી લાવ્યા હતા અને તેને જૂનાગઢના ભવનાથની તળેટીમાં રહેતા એક સાધુબાવાને પહોંચાડવાનો હતો. તેમજ કારમાંથી મળેલી રોકડ રકમ ગાંજાની ખરીદી પેટે રાજુભાઈને ચૂકવવાની હોવાનું પણ તેણે કબૂલ્યું હતું. આ સમગ્ર મામલે વાસદ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપાયેલા બે આરોપીઓ ઉપરાંત ફરાર ડ્રાઈવર અફઝલ, સુરતના રાજુભાઈ, તેનો માણસ અને ભવનાથના સાધુબાવા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.