Rajkot: રાજકોટમાં રહેતી એક પરિણીતાએ પોતાના જેઠ વિરૂદ્ધ દુષ્કર્મ અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના કાલાવડ રોડ પર રહેતી પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ, તે હાલ અમદાવાદમાં પતિ સાથે રહી નોકરી કરે છે અને તેને સંતાનમાં એક પુત્ર પણ છે. આજથી 13 વર્ષ અગાઉ લગ્ન થયા હતા. લગ્ન બાદ તેણી અન્ય રાજ્યમાંથી રાજકોટ રહેતા પતિના ઘરે રહેવા આવી હતી. જ્યાં સાસુ-સસરા અને જેઠ-જેઠાણી સાથે તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા હતા.
જો કે લગ્નના થોડા દિવસ બાદ પરિણીતાનો જેઠ તેણી પર નજર બગાડવા લાગ્યો હતો. જ્યારે પરિણીતા રસોડામાં રસોઈ કરતી હોય, ત્યારે જેઠ પાછળથી આવીને શરીરે અડપલા કરતો અને બળજબરી કરવાનો કોશિશ કરતો હતો. આ ઘટનાથી ગભરાઈ ગયેલી પરિણાએ પોતાના સાસુને વાત કરતાં તેમણે પણ પુત્રનું ઉપરાણું લઈને કહ્યું હતું કે, તારો જ વાંક છે.
લગ્નના 5 મહિના બાદ પરિણીતા પ્રેગ્નેન્ટ થઈ હતી અને પુરા મહિને તેણે પુત્રને જન્મ આપ્યો હતો. જે બાદ પણ જેઠ પરિણીતાને ખરાબ નજરે જોતો હતો. જેથી પરિણીતા પોતાના પતિ અને પુત્ર સાથે નાના મવા રોડ પર અલગ રહેવા જતી રહી હતી. અહીં પણ પતિ ઘરે ના હોય, ત્યારે જેઠ કોઈને કોઈ બહાને ઘરે આવીને બળજબરીપૂર્વક શરીર સબંધ બાંધતો હતો અને કહેતો કે, કોઈને જાણ કરીશ, તો તમને ત્રણેયને ક્યાંયના નહીં રહેવા દઉં.
પતિ કોઈ કામ ધંધો કરતો ના હોય અને પુત્ર પણ નાનો હોવાથી કોઈને નુકસાન ના પહોંચે, તેમ વિચારીને પરિણીતા જેઠનો ત્રાસ મુંગા મોંઢે સહન કરતી હતી. થોડા સમય બાદ પરિણીતા પતિ અને બાળક સાથે અમદાવાદ રહેવા આવ્યા હતા. અહીં પણ જેઠ કોઈને કોઈ બહાને પહોંચી જતો હતો અને અડપલા કરતો હતો.
થોડા દિવસ પહેલા દિવાળીના સમયે પરિણીતા પતિ સાથે રાજકોટ સ્થિત પોતાના સાસરે આવી હતી. આ સમયે પણ જેઠે છેડતી કરી હતી. જેથી પરિણીતાએ હિંમતપૂર્વક વિરોધ કરીને 100 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી હતી. આ સમયે જેઠે આક્ષેપ કર્યો હતો કે, આ લોકો પૈસાની ખોટી માંગણી કરીને ઝઘડો કરી રહ્યા છે.
આખરે સમગ્ર આપવીતી પતિને જણાવતા અંતે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં જેઠ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસે જેઠ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.