Rajkot: પ્રેમ એક ખૂબ જ સરસ અહેસાસ હોય છે. એક પ્રેમાળ સાથી મળવો એ પણ નસીબની વાત છે, પરંતુ એ વાત પણ સાચી છે જ્યાં પ્રેમ હોય ત્યાં ક્યારેક ને ક્યારેક દગો મળવાની સંભાવના પણ નકારી શકાય નહીં. કેટલાક સંબંધોમાં એવું જોવા મળતું હોય છે કે, પ્રેમિકા પ્રેમીને તરછોડે છે તો કેટલાક સંબંધમાં પ્રેમી દગો કરીને સંબંધો લજવે છે. આવી જ એક ઘટના રાજકોટ શહેરમાં બનવા પામી છે.
રાજકોટમાં હુડકો પોલીસ ચોકી પાછળ નાળોદાનગર શેરી નં 7 બગીચાની સામે રહેતા સંજય ભીખાભાઇ રાઠોડ (24) નામના યુવાને પ્રેમ પ્રકરણમાં દગો મળતા ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામા ભકિતનગર પોલીસ મથકનાં હેડ કોન્સ પ્રશાંતસિંહ તપાસ ચલાવી રહયા છે. યુવાને 3 ભાઇમાં નાનો અને અપરણિત હતો અને ડ્રાઈવિંગ કરી પરિવારને મદદરુપ થતો હતો.
યુવકે અંતિમ પગલું ભરતા પૂર્વે પોતાની પ્રેમિકાને ઉદ્દેશીને એક વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. જેમાં સંજય કહી રહ્યો છે કે,
ઉર્મિલા તારા ફોટા અને તારા વીડિયો મારા મોબાઇલમાંથી ડિલિટ કરી નાખ્યા છે. છેલ્લા એક વર્ષનો સમય મારી જિંદગીનો બેસ્ટ સમય રહ્યો છે. મને દુનિયાની કોઈ છોકરી રાખી ના શકે, તેવી રીતે તે મને સાચવ્યો હતો. એવું નથી કે, હું તારા વગર જીવી નહીં શકું, પરંતુ હવે મને જીવવાનું મન પણ નથી થતું.
પ્રેમમાં કેટલી બધી તાકાત હશે, તું વિચાર કર. મારા માતા-પિતાનો 24 વર્ષનો પ્રેમ તું એક વર્ષમાં લઈ ગઈ. છેલ્લા 6 વર્ષથી હું જેના પ્રેમમાં પાગલ હતો, તેને પણ તારા માટે ભૂલી ગયો. મારી કોઈ ભૂલચૂક થઈ હોય, તો મને માફ કરજે.
હું એટલે નથી મરતો કે હું કાયર છું. તને પામી ન શકયો, તારી સાથે રહી ન શકયો, એ મારી તકલીફ છે. મે છેલ્લે છેલ્લે બધી રીતે જતુ કર્યુ પરંતુ તારુ મન હવે ભરાઇ આવ્યુ હતુ. એટલે હવે હું કાઇ કરી શકુ તેમ નથી. તું કોઇને પામી ન શકે, તો તેમને પ્રોમિશ ના આપતી. અત્યારે મારી હાલત એવી થઇ ગઇ છે કે, તારો ભાઇ કે તારા પુત્ર પર આવી કન્ડિશન આવશે ત્યારે તને મારી પરિસ્થિતિ સમજાશે.
તને કોઇ હેરાન ન કરે માટે આ વીડિયો બનાવુ છું. તેમજ તને બધા સ્ક્રીનશોટ મોકલી દીધા છે તને કઇ તકલીફ પડે ત્યા આ સ્ક્રીનશોટ રજુ કરી દેજે. તારા વગર મારી જિંદગી કાઢી શકુ તેમ નથી. એટલે હું હવે આ દુનિયા છોડીને જાવ છું.
આજે મારી જિંદગીમાં એક નવો વળાંક આવશે… મૃતકનું છેલ્લું વોટ્સઅપ સ્ટેટસ
મૃતક સંજય રાઠોડે તેનાં પ્રેમીકા ઉર્મિલાને સંબોધીને બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આટલું જ નહીં, સંજય રાઠોડે તેનાં મૃત્યુ પહેલા સોશિયલ મીડિયા પર એક સ્ટેટસ અપલોડ કર્યુ હતુ. જેમા લખ્યુ હતુ કે, આજે મારી જિંદગીનો બહુ સ્પેશિયલ દિવસ છે. આજે મારી જીંદગી નવો વળાંક લેવાની છે. જે સવારે બધાને કોઇને કોઇ પાસેથી ખબર પડશે. જેને મારા સમાચાર મળે તેઓ સ્ટેટસમાં અભિનંદન લખી દેજો મારા માટે અને તે લોકોનો ખુબ ખુબ આભાર જેઓ મારા ખરાબ સમયે મને કામ આવ્યા.
આ સમગ્ર વીડિયો ભકિતનગર પોલીસ મથકનાં તપાસ અધીકારી હેડ કોન્સ્ટેબલ પ્રશાંતસિંહ પાસે આવતા તેમણે પરીવારજનોનાં તેમજ મૃતકનાં પ્રેમિકાનું નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે.