Rajkot: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કપાસના ભાવ અંગે કરેલા નિવેદનો પર ગુજરાત ભાજપ આક્રમક થઈ ગયું છે. રાજકોટમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કેજરીવાલ પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.
પ્રેસ કોન્ફરન્સમાં ભરત બોઘરાએ જણાવ્યું કે, ભારતનો કપાસ આખા વિશ્વમાં સૌથી મોંઘો વેચાય છે. તેમણે આંકડા રજૂ કરતા કહ્યું કે, ભારતમાં કપાસનું વાર્ષિક ઉત્પાદન 3.15 કરોડ ગાંસડી છે, જેમાંથી એક કરોડ કરતાં વધુ ગાંસડી કપાસનું ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે. કેન્દ્ર સરકારે કપાસનો ટેકાનો ભાવ (MSP) પ્રતિ ક્વિન્ટલ રૂ. 8,110 જાહેર કર્યો છે. જ્યારે ગુજરાતના ખેડૂતોને અન્ય રાજ્યો કરતાં વધુ ભાવ મળી રહ્યા છે.
બોઘરાએ કેજરીવાલના નિવેદન પર પ્રહાર કરતા કહ્યું કે, કેજરીવાલ એવું બોલી રહ્યા છે કે, ખેડૂતોને માત્ર રૂ. 900 જ મળશે. જે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે. ખેડૂતોને MSP રૂ. 1622 આપવામાં આવ્યા છે.
ભરત બોઘરાએ કેજરીવાલને સલાહ આપતા કહ્યું કે, ખેડૂતોના મુદ્દે રાજકારણ કરવાને બદલે તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવી જોઈએ. તેમણે કેજરીવાલને જાહેરમાં ચર્ચા કરવા માટે પડકાર પણ ફેંક્યો હતો.
આયાત ડ્યુટી અંગે વાત કરતા બોઘરાએ જણાવ્યું કે, દેશમાં 3.15 કરોડ ગાંસડીના ઉત્પાદન સામે ઉદ્યોગોની માંગ 4.5 કરોડ ગાંસડીની છે. આવી સ્થિતિમાં કપાસની આયાત પરની 11 ટકા ડ્યુટી હટાવવાથી આપણા જ ઉદ્યોગોને ફાયદો થશે.