GSRTC: રાજકોટ ST નિગમની શાનમાં વધારો, 13 નવી બસો ફાળવાઈ; સ્ટેચ્યુ ઑફ યુનિટીથી ભુજ સુધીની સફર પ્રીમિયમ બનશે

રાજકોટ-વડોદરા રૂટ પર નવી વૉલ્વો બસ સવારે સાડા 9 અને સાંજે 5 વાગ્યે રાજકોટથી ઉપડશે, જે આશરે 6 કલાકમાં વડોદરા પહોંચાડશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 29 May 2026 04:17 PM (IST)Updated: Fri, 29 May 2026 04:20 PM (IST)
gsrtc-adds-13-new-premium-buses-to-rajkot-division-travel-from-statue-of-unity-to-bhuj-gets-an-upgrade
HIGHLIGHTS
  • મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો

GSRTC Rajkot New Buses: વડાપ્રધાન મોદીની ઈંધણ બચાવવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની અપીલ વચ્ચે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધા ખાતર અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત બસોની સંખ્યા વધારવામાં આવી રહી છે, તો તેના રૂટ પણ લંબાવવામાં આવી રહ્યા છે. એવામાં GSRTCએ રાજકોટ એસ.ટી. વિભાગને 13 પ્રીમિયમ બસોની ફાળવણી કરવામાં આવી છે.

એસ.ટી. વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી અત્યાધુનિક બસોથી મુસાફરોને આરામદાયક મુસાફરી માણવા મળશે. જે અંતર્ગત આજથી રાજકોટ-વડોદરા રૂટ પર બે નવી વૉલ્વો બસો શરૂ કરવામાં આવી છે.

રાજકોટથી વડોદરા વચ્ચેનું અંતર 6 કલાકમાં કપાશે

આ અંગે વિગતો આપતા રાજકોટ એસ.ટી.ના વૉલ્વો વિભાગના ડેપો મેનેજર એન.વી.હુબ્બલે જણાવ્યું કે, મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને પ્રીમિયમ બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે.

આ નવી વોલ્વો બસ રાજકોટથી સવારે સાડા 9 કલાકે અને બીજી સાંજે 5 વાગ્યે ઉપડશે. આ રૂટ પર પહેલાથી જ 3 પ્રીમિયમ બસો દોડી રહી છે, જે અંદાજે 6 કલાકમાં વડોદરા પહોંચાડે છે.

રાજકોટથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને ભુજના રૂટ પર નવી બસો મૂકાશે

વધુમાં તેમણે જણાવ્યું કે, આવનારા સમયમાં રાજકોટ-વડોદરા અને રાજકોટ-ભુજ રૂટ પર વધુ પાંચ નવી વોલ્વો બસ મૂકવાનું આયોજન છે. આ સિવાય રાજકોટથી સ્ટેચ્યુ ઑફ યુનિટી, મોરબી-જામનગર અને દાહોદ રૂટ ઉપર પણ 6 નવી AC સીટર બસો દોડાવવામાં આવશે.

જણાવી દઈએ કે, એસ.ટી. વિભાગ દ્વારા ડબલ એક્સલ બસ શરૂ કરવાની પણ વિચારણા ચાલતી હતી. જેને લઈને ખાનગી બસની ટ્રાયલ પણ લેવામાં આવી હતી, પરંતુ બસ પોર્ટમાં એન્ટ્રી બાબતે કેટલીક તકનીકી મુશ્કેલીઓને પગલે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો.